
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને બંને દેશો ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં આશરે 99 ટકા મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે. બાકી રહેલા કેટલાક નાના મુદ્દાઓના નિરાકરણ માટે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે 2થી 4 જૂન દરમિયાન વધુ ચર્ચાઓ થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારત અને અમેરિકા પોતાના પ્રથમ દ્વિપક્ષીય વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે.
ગોયલે વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કાનો કરાર પૂર્ણ થયા પછી પણ બંને દેશો વચ્ચે બીજા તબક્કાની ચર્ચાઓ ચાલુ રહેશે. તેમનું કહેવું છે કે આ કરાર બંને દેશો વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
હાલમાં અમેરિકાનું એક ઉચ્ચસ્તરીય વેપાર પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં હાજર છે. આ પ્રતિનિધિમંડળ ભારતીય અધિકારીઓ સાથે વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તેમજ વ્યાપક ભારત-અમેરિકા વેપાર કરારને આગળ વધારવા માટે ચર્ચાઓ કરી રહ્યું છે. અમેરિકન પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન જ પિયુષ ગોયલનું આ નિવેદન સામે આવતાં સોદો ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા વધુ મજબૂત બની છે.
પ્રસ્તાવિત કરારમાં બજારમાં પ્રવેશ (Market Access), કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવવી, બિન-ટેરિફ અવરોધો ઘટાડવા, રોકાણને પ્રોત્સાહન આપવું તેમજ સપ્લાય ચેઇન સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થવાની શક્યતા છે. બંને દેશો વેપાર સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા અને લાંબા સમયથી ચાલતા કેટલાક વેપારી મતભેદોને ઘટાડવાના હેતુથી આ કરારને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો આ કરાર સફળતાપૂર્વક અમલમાં આવશે તો તે ભારત અને અમેરિકા વચ્ચેના વેપારને નવી દિશા આપશે અને બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ નોંધપાત્ર લાભ પહોંચાડી શકે છે.
79 વર્ષની ઉંમર, પણ 65 વર્ષનું હૃદય ! ટ્રમ્પનો મેડિકલ રિપોર્ટમાં ચોંકવનાર ખુલાસા
Published On - 5:42 pm, Mon, 1 June 26