પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Petroleum Minister Hardeep Singh Puri) એ શુક્રવારે જણાવ્યુ કે, ભારત વર્ષ 2025 માં તેલ અને ગેસ (Oil and Gas) ઉત્ખનન ક્ષેત્રફળને બે ગણુ કરી 5 લાખ વર્ગ કિલોમીટર કરીને, આયાત પર પોતાની નિર્ભરતા ઘટાડવામાં સફળ રહે તેવી શક્યતા છે. પુરીએ વિશ્વ ઉર્જા નીતિ સંમેલન 2022ને સંબોધિત કરતા જણાવ્યુ કે, દેશ પ્રાથમિક સ્તર પર તેલ અને ગેસ ઉત્ખનના ક્ષેત્રફળ વર્ષ 2030 સુધીમાં 10 લાખ વર્ગ કિલોમીટર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
તેનાથી સ્થાનિક તેલ અને ગેસનું ઉત્પાદન વધશે તેમજ તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે. ભારત હાલમાં તેની મોટાભાગની તેલ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે. હાલમાં ક્રૂડ ઓઈલ (crude oil) ના ભાવ તેમના ઉચ્ચ સ્તરે છે, જેના કારણે સરકારનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધી ગયું છે. આને ધ્યાનમાં રાખીને સરકાર તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 2025 સુધીમાં 5 લાખ કરોડ ડોલર અને 2030 સુધીમાં 10 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, તેથી ઊર્જાની જરૂરિયાતો પણ તે જ પ્રમાણમાં વધશે. તેને પૂર્ણ કરવા માટે સ્થાનિક ઉત્પાદન વધારવું જરૂરી છે. પુરીએ જણાવ્યું હતું કે, “બીપી એનર્જી આઉટલૂક મુજબ, વૈશ્વિક ઊર્જા માંગમાં ભારતનો હિસ્સો 2050 સુધીમાં 6 ટકાના વર્તમાન સ્તરથી બમણો થઈને 12 ટકા થવાની ધારણા છે.
ભારતની ઉર્જા માંગમાં વધારાથી ટકાઉ વિકાસ લક્ષ્યોની સિદ્ધિ પર મોટી અસર પડશે.” ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ અને ગેસ ઉપભોક્તા, આ ઉર્જા સ્ત્રોતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે.તે તેની તેલની જરૂરિયાતના 80 ટકા આયાતથી પૂરી કરે છે, જ્યારે ગેસના કિસ્સામાં તે 50 ટકા નિર્ભર છે. પુરીએ જણાવ્યું હતું કે, “તેલ અને ગેસના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે, ઉત્ખનનના વિસ્તારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025 સુધીમાં તેને પાંચ લાખ ચોરસ કિલોમીટર અને આગામી પાંચ વર્ષમાં 10 લાખ ચોરસ કિલોમીટર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.”
સરકારની કોશિશો છતા દેશમાં ક્રુડ ઓઇલનું ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. ડિસેમ્બરમાં ક્રૂડ ઓઇલનું કુલ સ્થાનિક ઉત્પાદન 25.1 લાખ ટન રહ્યું હતું, જે એક વર્ષ અગાઉ 25.5 લાખ ટન હતું.ખાસ વાત એ છે કે ડિસેમ્બરમાં ઉત્પાદનનો લક્ષ્યાંક 26 લાખ ટન હતો, ગયા વર્ષની સરખામણીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં પણ તેલનું ઉત્પાદન ઓછું થયું હતું.જોકે નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં ઉત્પાદનમાં થોડો સુધારો જોવા મળ્યો છે. સરકાર સ્થાનિક ઉત્પાદન વધારો થાય અને આયાત પર નિર્ભરતા ઘટે તેવા પ્રયત્નો કરી રહી છે.
આ પણ વાંચો :ખુશખબર ! ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, સામાન્ય લોકોને મળશે રાહત
આ પણ વાંચો :અદાણી – અંબાણી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને પછાડી બન્યા વધારે ધનિક