
ભારત સરકારે રશિયામાં ‘ભારતીય નિકાસ’ (Indian Exports) વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે આશરે 300 એવા પ્રોડક્ટની ઓળખ કરી છે, જેમની રશિયામાં ભારે માંગ છે અને જેમાં ભારતીય કંપનીઓ સરળતાથી પોતાની હાજરી તેમજ બજાર હિસ્સો વધારી શકે છે.
આમાં એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ પ્રોડક્ટ અને કેમિકલ જેવા મુખ્ય સેક્ટરનો સમાવેશ થાય છે. આ પહેલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત અને રશિયાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) માં $100 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હાલમાં આ પસંદ કરાયેલ પ્રોડક્ટમાં ભારતની રશિયામાં કુલ નિકાસ માત્ર $1.7 બિલિયન છે, જ્યારે રશિયા આ જ કેટેગરીમાં દુનિયાભરથી આશરે 37.4 અબજ ડોલરનું આયાત કરે છે. આ તફાવત દર્શાવે છે કે, ભારત પાસે રશિયન બજારમાં તેની હાજરી વધારવાની વિશાળ સંભાવના છે.
આમ જોવા જઈએ તો, રશિયા સાથે ભારતની વેપાર ખાધ (Trade Deficit) લગભગ $59 બિલિયન છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, Ministry of Commerce દ્વારા પસંદ કરેલા 300 પ્રોડક્ટ્સ ભારતની સપ્લાય ક્ષમતા અને રશિયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, ભારત હાલમાં રશિયાની કુલ આયાત જરૂરિયાતોમાં માત્ર 2.3 ટકા હિસ્સો ધરાવે છે.
આ દરમિયાન, છેલ્લા 4 વર્ષમાં રશિયાથી ભારતની આયાત 10 ગણી વધી છે. વર્ષ 2020 માં, ભારતે રશિયા પાસેથી ફક્ત $5.94 બિલિયનનો માલ ખરીદ્યો હતો પરંતુ વર્ષ 2024 સુધીમાં આ આંકડો વધીને $64.24 બિલિયન થવાની ધારણા છે.
આ વધારાનું સૌથી મોટું કારણ ‘ક્રૂડ ઓઇલ આયાત’ છે. વર્ષ 2020 માં, ભારતે રશિયા પાસેથી $2 બિલિયનનું તેલ ખરીદ્યું હતું, જ્યારે વર્ષ 2024 માં, આ આંકડો $57 બિલિયન સુધી પહોંચી ગયો હતો.
હવે ભારતના કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાની હિસ્સેદારી ઘણી વધી ગઈ છે. આ ઉપરાંત ભારત રશિયાથી ખાતર અને વેજિટેબલ ઓઇલ પણ મોટી માત્રામાં આયાત કરે છે.
નિકાસની દ્રષ્ટિએ, ભારત કૃષિ અને તેને સંબંધિત પ્રોડક્ટમાં સારું પ્રદર્શન કરી શકે છે. ભારત હાલમાં રશિયાને 452 મિલિયન ડોલરના કૃષિ પ્રોડક્ટની નિકાસ કરે છે, જ્યારે રશિયાની વૈશ્વિક માંગ 3.9 અબજ ડોલરની છે.
આવી જ રીતે, એન્જિનિયરિંગ સામાનમાં પણ નોંધપાત્ર તકો છે. ભારત હાલમાં રશિયાને માત્ર $90 મિલિયનનો એન્જિનિયરિંગ સામાન મોકલે છે, જ્યારે રશિયાની જરૂરિયાત $2.7 બિલિયન છે.
નિષ્ણાતો માને છે કે, ‘રશિયા’ ચીન પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે, તેથી ‘ભારત’ આ તકનો લાભ લઈ શકે છે. કેમિકલ અને પ્લાસ્ટિક પ્રોડક્ટમાં પણ નોંધપાત્ર અંતર છે. ‘ભારત’ ત્યાં 135 મિલિયન ડોલરનો માલ મોકલે છે, જ્યારે રશિયાની માંગ 2.06 અબજ ડોલર છે.
સૌથી મોટી તક ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં રહેલી છે. ભારત હાલમાં રશિયાને $546 મિલિયનની દવાઓ મોકલે છે, જ્યારે રશિયા દર વર્ષે $9.7 બિલિયનની દવાઓની આયાત કરે છે. ભારતની જેનેરિક દવાઓ વિશ્વભરમાં મજબૂત હાજરી ધરાવે છે, તેથી આ ક્ષેત્રમાં ઝડપી વિસ્તરણ શક્ય છે.
ભારતમાં ટેક્સટાઇલ, રેડીમેડ કપડા, ચામડું, હસ્તકલા, પ્રોસેસ્ડ ફૂડ અને હળવા એન્જિનિયરિંગ સામાન જેવા સેક્ટરમાં પણ નોંધપાત્ર તકો છે. હાલમાં, ઇલેક્ટ્રોનિક્સ અને કાપડ માટે રશિયામાં ભારતનો બજાર હિસ્સો 1 ટકા કરતા ઓછો છે પરંતુ રશિયાની મોટી વસ્તી તેમજ વધતી માંગને ધ્યાનમાં રાખીને, જો ભારતીય કંપનીઓ વધુ સારું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક વિકસાવે તો આ ક્ષેત્રો ઝડપથી વિકાસ પામી શકે છે.