
કેનેડા-ભારત (India Canada Dispute) રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો છે. જો કે હવે ભારત પ્રત્યે કેનેડાનું વલણ થોડું નરમ જણાય છે. કેનેડા અને ભારત વચ્ચેના વ્યવસાયિક સંબંધો ઘણા જૂના છે. વર્ષ 2022-23માં કેનેડા અને ભારત વચ્ચે $8.3 બિલિયનનો વેપાર થયો છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડામાં (Canada) કેટલા ભારતીયો રહે છે અને તેઓ દર વર્ષે દેશમાં કેટલા પૈસા મોકલે છે. આજે અમે તમને ભારત અને કેનેડા વચ્ચેના વ્યાપારી સંબંધો વિશે કેટલીક એવી વાતો જણાવીશું.
તમે જાણતા જ હશો કે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડિયન પ્રવાસીઓ માટે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્થળ છે. આંકડા મૂજબ ગયા વર્ષે કેનેડાથી લગભગ 2.8 લાખ પ્રવાસીઓ ભારત આવ્યા હતા. હવે કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે?
વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણા ભારતીયો કેનેડામાં રહે છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેનેડા વેપારના હિસ્સાના સંદર્ભમાં 35મા ક્રમે છે. લગભગ 17.6 લાખ વિદેશી ભારતીયો કેનેડામાં રહે છે. રેમિટન્સનો આંકડો એટલે કે કેનેડાથી ભારતમાં નાણાં મોકલવાનો આંકડો 3.8 અબજ ડોલર (આશરે 32,000 કરોડ રૂપિયા) છે. એટલે કે કેનેડામાં રહેતા ભારતીયોએ દેશમાં 32,000 કરોડ રૂપિયા મોકલ્યા છે.
આ રેમિટન્સનો આંકડો વર્ષ 2021નો છે. કેનેડા રેમિટન્સમાં 9મા નંબરે આવે છે. 17 લાખની કુલ ભારતીય વિદેશી વસ્તીમાંથી 1.8 લાખ લોકો બિનનિવાસી ભારતીયો છે. 15 લાખથી વધુ લોકોએ કેનેડા અને અન્ય દેશોની નાગરિકતા લીધી છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતે ગયા વર્ષે કેનેડામાંથી 5 મિલિયન ટન મસૂરની આયાત કરી હતી. નિકાસની વાત કરીએ તો, ભારતે કેનેડામાં લગભગ $100 મિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. આરોગ્ય ક્ષેત્રે ભારત અને કેનેડાનો વ્યવહાર પણ ઘણો મોટો છે. ગયા વર્ષે કેનેડાએ ભારતમાંથી $200 મિલિયનની દવાઓની આયાત કરી હતી.
આંકડા અનુસાર, ભારતની કુલ નિકાસમાં કેનેડાનો હિસ્સો 0.9 ટકા છે. જેમાં બાસમતી ચોખા, સ્માર્ટફોન, દવાઓ, જ્વેલરી વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે
ભારતીય વિદેશી વસ્તીની વાત કરીએ તો કેનેડા સાતમા નંબરે આવે છે. ઓવરસીઝ ઈન્ડિયન્સના મામલામાં અમેરિકા પહેલા નંબરે છે, ત્યારબાદ યુએઈ, મલેશિયા, સાઉદી અરેબિયા, મ્યાનમાર, યુકે અને પછી કેનેડા આવે છે. કેનેડામાં કુલ 1.8 લાખ NRIG અને 15.1 લાખ PIO એટલે કે ભારતીય વિદેશીઓની વસ્તી છે.
Published On - 2:34 pm, Mon, 25 September 23