
વૈશ્વિક વ્યાપારના મંચ પર ભારત અને યુરોપિયન યુનિયન (EU) એક એવી ઐતિહાસિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે કે, જેને “Mother of All Deals” કહેવામાં આવી રહી છે. મંગળવાર, 27 જાન્યુઆરી 2026 ના રોજ થનારા આ Free Trade Agreement (મુક્ત વ્યાપાર કરાર) પછી ભારતમાં યુરોપિયન ગાડીઓ, ખાસ કરીને ‘મર્સિડીઝ, બીએમડબલ્યુ (BMW) અને ફોક્સવેગન’ પર લાગતો ભારે ટેક્સ નોંધપાત્ર રીતે ઘટી જશે.
વર્તમાનમાં ભારતમાં આયાત કરવામાં આવતી (Imported) ગાડીઓ પર 110% સુધીનો ઊંચો ટેરિફ (કર) લાગુ છે. આ કરાર હેઠળ તેને તાત્કાલિક અસરથી ઘટાડીને 40% કરવામાં આવે તેવી શક્યતા છે.
આટલું જ નહીં, આગામી વર્ષોમાં તેને વધુ ઘટાડીને 10% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પગલું માત્ર ભારતીય ગ્રાહકો માટે લક્ઝરી કારોને સસ્તી (Affordable) જ નહીં બનાવે પરંતુ યુરોપિયન કંપનીઓ માટે દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટના દરવાજા પણ ખોલી દેશે.
આ ડીલ એવા સમયે થઈ રહી છે કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ વિવાદને લઈને યુરોપિયન દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ દ્વારા ફેબ્રુઆરીથી 08 EU દેશ પર 10% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ યુરોપે અમેરિકા સાથેની પોતાની ટ્રેડ ડીલ હાલ પૂરતી સસ્પેન્ડ (સ્થગિત) કરી દીધી છે. આવી સ્થિતિમાં, ભારત અને EU ની આ નિકટતા વૈશ્વિક વ્યાપારના સંતુલનને નવું સ્વરૂપ આપી શકે છે.
આ કરારની અસર માત્ર ગાડીઓ સુધી સીમિત નથી. એમકે ગ્લોબલના અહેવાલ મુજબ, આ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થી વર્ષ 2031 સુધીમાં યુરોપિયન યુનિયન સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ (વ્યાપારી નફો) 51 અબજ ડોલર (લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. આનાથી ભારતના કુલ નિકાસમાં યુરોપનો હિસ્સો વર્તમાન 17.3% થી વધીને 23% સુધી થવાની અપેક્ષા છે.