
તાજેતરમાં, વિશ્વ બેંકના નવા અહેવાલમાં શ્રીલંકા, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશોને તેમની સુધારેલી કમાણીના આધારે ઉચ્ચ-આવક શ્રેણીમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતનું મૂલ્યાંકન સમાન માપદંડનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું, ત્યારે એક રસપ્રદ ચિત્ર બહાર આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશથી આગળ જોઈને અને રાજ્ય સ્તરે પરિસ્થિતિની તપાસ કરીને જ દેશના આર્થિક વિકાસની ગતિનો સાચો ખ્યાલ આવે છે.
રાષ્ટ્રીય સ્તરે, ભારત પ્રતિ માથાદીઠ આવક (એટલાસ પદ્ધતિ મુજબ) 2,760 અમેરિકન ડોલર સાથે ‘નીચલી-મધ્યમ-આવક’ દેશ તરીકે રહે છે. આ આંકડો નિમ્ન-મધ્યમ-આવક શ્રેણી માટે 2,488 અમેરિકન ડોલરની વૈશ્વિક સરેરાશથી થોડીક વધારે છે. જોકે, મની કન્ટ્રોલમાં પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર, ભારતના પાંચ રાજ્યે અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે. જે ‘ઉચ્ચ-મધ્યમ-આવક’ શ્રેણી માટે વિશ્વ બેંકના 4,636 અમેરિકન ડોલરના કટઓફને વટાવી ગયા છે.
આ કોસ્ટક સમજવા માટે, વિશ્વ બેંકના વર્ગીકરણ માપદંડોને જાણવું જરૂરી છે. બેંક 1,175 અમેરિકન ડોલરથી ઓછી આવક ધરાવતા દેશોને ‘ઓછી-આવક’ તરીકે વર્ગીકૃત કરે છે. જ્યારે 1,175 થી 4,635 ડોલર વચ્ચેના દેશોને ‘નીચી-મધ્યમ-આવક’ તરીકે વર્ગીકૃત કરે છે. જ્યારે 4,636 થી 14,375 અમેરિકન ડોલર ધરાવતા વચ્ચેના દેશોને ‘ઉચ્ચ-મધ્યમ-આવક’ તરીકે ઉલ્લેખ કરે છે અને 14,375 થી વધુ અમેરિકન ડોલર ધરાવતા દેશોને ‘ઉચ્ચ-આવક’ તરીકે વર્ગીકૃત કરે છે.
રાજ્યવાર ડેટા પર નજર નાખતા જાણવા મળે છે કે દિલ્હી 6,217 ડોલરની માથાદીઠ આવક સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. તે પછી કર્ણાટક (5,579 યુએસએ ડોલર), તેલંગાણા (5,407 ડોલર), તમિલનાડુ ( 5,329 ડોલર) અને ગુજરાત (4,734 અમેરિકન ડોલર) આવે છે. આ પાંચેય રાજ્યોએ “ઉચ્ચ-મધ્યમ-આવક” શ્રેણી માટે વિશ્વ બેંકના બેન્ચમાર્કને નોંધપાત્ર રીતે વટાવી દીધો છે.
આ રાજ્યોની અન્ય રાષ્ટ્રો સાથે સરખામણી કરતી વખતે, દિલ્હીની અર્થવ્યવસ્થા દક્ષિણ આફ્રિકા (6,270 ડોલર), ફિજી (6,230 ડોલર) અને મંગોલિયા (6,210 ડોલર) જેવા દેશોની હરીફ છે. દરમિયાન, કર્ણાટક અને તેલંગાણાની માથાદીઠ આવક ઇન્ડોનેશિયા (5,120 ડોલર) અને વિયેતનામ (4,970 ડોલર) કરતા વધી ગઈ છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે 1994 માં, કોઈ પણ મુખ્ય ભારતીય રાજ્ય આ આવકની નજીક ક્યાંય આવ્યું ન હતું.
કેટલાક રાજ્યો ખૂબ જ ઓછા માર્જિનથી આ ક્લબમાં જોડાવાનું ચૂકી ગયા. દેશની આર્થિક રાજધાની ગણાતા મહારાષ્ટ્રે (4,628 અમેરિકન ડોલર) પ્રતિ માથાદીઠ આવક નોંધાવી છે. જે ઉચ્ચ-મધ્યમ-આવકના કટઓફથી માત્ર 8 અમેરિકન ડોલરથી ઓછી છે. તેવી જ રીતે, હરિયાણા ( 4,627 ડોલરની આવક ) માત્ર 9 અમેરિકન ડોલરના માર્જિનથી બેન્ચમાર્ક ચૂકી ગયું, જ્યારે કેરળ (4,610 અમેરિકન ડોલર) 26 અમેરિકાન ડોલરના માર્જિનથી પાછળ રહી ગયું.
જ્યારે કેટલાક રાજ્યો પ્રગતિ માટે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, ત્યારે દેશનો મોટો ભાગ ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. બિહાર ભારતનું સૌથી ગરીબ મુખ્ય રાજ્ય રહ્યું છે, જેની માથાદીઠ આવક 984 ડોલર છે. ઉત્તર પ્રદેશમાં 1,403 ડોલરની આવક નોંધાઈ છે, જ્યારે ઝારખંડની આવક 1,470 ડોલર છે. ડેટા દર્શાવે છે કે આ ત્રણ રાજ્યોમાં લોકોની સરેરાશ આવક આપણા પાડોશી નેપાળ અને સબ-સહારન આફ્રિકાના ઘણા ગરીબ રાષ્ટ્રો કરતા પણ ઓછી છે.
Published On - 3:00 pm, Tue, 7 July 26