
શનિવાર છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કરદાતાઓને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મળી રહેલી નોટિસો અને ઇમેઇલ્સને લઈને વિભાગે આજે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. સીબીડીટી (CBDT) એ સ્પષ્ટતા કરી છે કે કરદાતાઓને મોકલવામાં આવતા આ સંદેશાઓ કોઈ દંડ લાદવા કે તપાસ શરૂ કરવા માટે નથી, પરંતુ તે માત્ર એક ‘સલાહકારી’ (Advisory) સૂચના છે. વિભાગનો હેતુ કરદાતાઓને તેમના આર્થિક વ્યવહારો પ્રત્યે જાગૃત કરવાનો છે.
ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ કરદાતાના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અને તેના પાન કાર્ડ (PAN) સાથે જોડાયેલા હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન વચ્ચે તફાવત જોવા મળે છે, ત્યારે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મેસેજ મોકલવામાં આવે છે. બેંક, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રજિસ્ટ્રાર જેવી સંસ્થાઓ પાસેથી મળેલા ડેટા અને ITRમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા હોવાના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિભાગે જણાવ્યું છે કે આ નોટિસ ડેટા-આધારિત મોનિટરિંગનો એક ભાગ છે. કરદાતાઓને નીચે મુજબના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે:
નોટિસને અવગણી શકાય: જો કરદાતાને ખાતરી હોય કે તેમનું ફાઇલિંગ સંપૂર્ણપણે સાચું છે, તો તેઓ આ નોટિસને અવગણી શકે છે.
આકારણી વર્ષ 2025-26 માટે સુધારેલું (Revised) અથવા મોડું (Belated) ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. જો કરદાતાના બેંક ડિપોઝિટ, રોકાણ કે દાન જેવા ઉચ્ચ-મૂલ્યના વ્યવહારો રિટર્નમાં દર્શાવવાના રહી ગયા હોય, તો દંડ કે ભવિષ્યની મુશ્કેલી ટાળવા માટે આ સમયમર્યાદામાં ભૂલ સુધારી લેવી હિતાવહ છે.