ઓટો સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના મતે સરકારે વચગાળાના બજેટમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ ચાલુ રાખવી જોઈએ. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસની ગતિને જાળવી રાખવાની પણ જરૂરિયાત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે.
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરના જણાવ્યા અનુસાર, તેમનો અંદાજ છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના પ્રોજેક્ટ્સ પર મૂડી ખર્ચ ચાલુ રહેશે. સરકારે ગ્રીન મોબિલિટી માટે નીતિગત પ્રોત્સાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેનાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકૃતિ વધારવામાં મદદ મળશે. અય્યરે કહ્યું કે, લક્ઝરી કાર ઈન્ડસ્ટ્રીઝ દેશના GDPમાં મહત્ત્વનું યોગદાન આપે છે.
તેથી ઓટો સક્ટર ઈચ્છે છે કે પ્રાથમિકતાના આધારે ડ્યુટી માળખું અને GST ને સુધારવામાં આવે. તેમણે આગળ જણાવ્યું કે, અમને આગામી બજેટમાં કોઈ સરપ્રાઈઝની અપેક્ષા નથી. હાલ લક્ઝરી કાર પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. આ ઉપરાંત, સેડાન પર 20 ટકા અને SUV પર 22 ટકાનો વધારાનો સેસ વસૂલવામાં આવે છે. તેથી આ વાહનો પર કુલ ટેક્સ લગભગ 50 ટકા છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી MD સ્વપ્નેશ આર મારુએ જણાવ્યું હતું કે, વાહન નિર્માતાઓને વિશ્વાસ છે કે સરકાર અર્થતંત્ર અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને ભવિષ્ય તરફ સંક્રમિત કરવા માટે તેના પ્રયાસો ચાલુ રાખશે. જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી રઘુપતિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ઓટો સેક્ટર માટે ટકાઉ નીતિઓ આ ક્ષેત્રના વિસ્તરણ તરફ દોરી જશે.
મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટીના એમડી અને સીઈઓ સુમન મિશ્રાએ જણાવ્યું હતું કે, સમાવેશી આવક, ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનો દ્વારા લોકો આર્થિક રીતે સશક્ત બની રહ્યા છે. અમે ઈલેક્ટ્રિક વ્હીકલ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઈન ઈન્ડિયા યોજના દ્વારા બજેટમાં આ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાની આશા રાખીએ છીએ.
આ પણ વાંચો : આ અઠવાડિયે આવશે 6 કંપનીના IPO, રોકાણકારો માટે રૂપિયા કમાવવાની તક
PHF લીઝિંગ લિમિટેડના CEO શલ્ય ગુપ્તાએ જણાવ્યું હતું કે, સરકાર 2070 સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. તેથી હળવા કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો (ELCV) માત્ર રોજગારી જ નથી આપી રહ્યા પરંતુ ઓછા ઉત્સર્જનના ઉકેલની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર ELCVs પર સબસિડી સપોર્ટ ચાલુ રાખશે એટલું જ નહીં પરંતુ તેમની નોંધણીની પ્રક્રિયાને પણ સરળ બનાવશે.
Published On - 2:25 pm, Sun, 28 January 24