બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. બેંકે જુદી-જુદી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. આ પહેલા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીની જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.01 ટકાથી લઈને 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 29 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. નિવેદનમાં જણાવ્યા મૂજબ 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો થયો છે. આ થાપણો માટે વ્યાજ દર 3 ટકાથી વધારીને 4.25 ટકા કરવામાં આવ્યો છે. ત્યારબાદ 15-45 દિવસના સંપૂર્ણ સમયગાળા માટે વ્યાજ દર 1 ટકા વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ FD ના વ્યાજ દરમાં 0.5 ટકા સુધીનો વધારો કર્યો છે. બેંકના જણાવ્યા અનુસાર, બુધવારથી અમલી બનેલા સંશોધિત દરો હેઠળ, 180-210 દિવસની વચ્ચેની થાપણો પર વાર્ષિક 5.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.25 ટકા હતું. તેવી જ રીતે 7-45 દિવસની થાપણો પર 3.50 ટકા વ્યાજ મળશે, જે પહેલા 3 ટકા હતું.
વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મૂજબ અન્ય સમયગાળામાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 46-179 દિવસના સમયગાળા માટે વ્યાજ 4.75 ટકા, 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે 6 ટકા અને 3 થી 5 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.75 ટકા મળશે.
આ પણ વાંચો : પરીક્ષા પાસ કર્યા પછી પણ નહીં મળે તમને સરકારી નોકરી! જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં વ્યક્તિગત લોન લેવાના દરમાં ઘટાડો થયો છે. RBI એ લોન પર શિક્ષાત્મક જોખમ ભારણ લાદ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. ડેટા મૂજબ નવેમ્બરમાં નવી પર્સનલ લોનના વિતરણમાં વૃદ્ધિ દર ઘટીને 18.6 ટકા થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં પર્સનલ લોન કેટેગરીના સેગમેન્ટનો વિકાસ દર 19.9 ટકા હતો.
Published On - 4:55 pm, Sat, 30 December 23