
સોનાની કિંમતો સતત વધી રહી છે. એવામાં રોકાણકારોએ શું કરવું જોઈએ? હવે આનો સીધો જવાબ એ છે કે, સોનામાં રોકાણને ક્યારેય પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. સોનું હંમેશાથી એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો કે, તેની કિંમતોમાં ઉતાર-ચઢાવ જરૂર જોવા મળે છે.
આજના સમયમાં ભારત અને ચીન જેવા દેશોએ મોટી માત્રામાં સોનું ખરીદ્યું છે. બજારમાં સોનાની માંગ સતત વધી રહી છે અને જ્યારે માંગ (Demand) વધે છે, ત્યારે કિંમતો વધવી સ્વાભાવિક છે. જો ભારતની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો, દુનિયાના કુલ સોનાના લગભગ 11 ટકા જેટલું સોનું (Jewelry Gold) ભારતીય મહિલાઓ પાસે છે.
એવું કહેવાય છે કે, દુનિયામાં સૌથી વધુ સોનું ભારતીય મહિલાઓ પાસે છે. અમેરિકા, ચીન અને બીજા દેશોના સરકારી ખજાનામાં રહેલા કુલ સોનાને જોડી દેવામાં આવે, તો પણ તે ભારતીય મહિલાઓ પાસે રહેલા સોના કરતા ઓછું છે.
સોનાના વધતા જતા મૂલ્યને સમજવા માટે એક ઉદાહરણ ખૂબ જ રસપ્રદ છે:
આજે 1 કિલો સોનાની કિંમત એક લેન્ડ રોવર (Land Rover) કાર જેટલી થઈ ગઈ છે. જો આજે 10 ગ્રામ સોનાની કિંમત અંદાજે ₹1.2 લાખ હોય, તો 1 કિલો સોનાની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો વર્ષ 2030 સુધીમાં સોનાની કિંમત રોલ્સ રોયસ (Rolls Royce) કાર જેટલી થઈ શકે છે અને વર્ષ 2040 સુધીમાં તે પ્રાઇવેટ જેટ ની કિંમત સુધી પહોંચી શકે છે.
જો સરકારી ખજાનાની વાત કરીએ તો, અમેરિકા પાસે અંદાજે 8,133 ટન સોનું છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ત્યારબાદ જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશોના નામ આવે છે. ભારતે તેના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ના લગભગ 13 ટકા હિસ્સો સોના તરીકે રાખ્યો છે, જ્યારે ચીને લગભગ 6.5 ટકા સોનું રાખ્યું છે.
અમેરિકાએ તેના કુલ રિઝર્વના લગભગ 77.8 ટકા સોનામાં રોકાણ કર્યું છે, જેથી ડોલરને મજબૂત બનાવી શકાય. યુરોપના દેશોએ પણ પોતાના ચલણને મજબૂત કરવા માટે સોનામાં મોટું રોકાણ કર્યું છે. રશિયાએ પણ તેના વિદેશી મુદ્રા ભંડારના લગભગ 30 ટકા સોનામાં રોકાણ કર્યું છે.
સામાન્ય લોકોની વાત આવે છે, ત્યારે ભારતમાં સોનાને લઈને એક અલગ જ સંસ્કૃતિ જોવા મળે છે. ભારતીયોમાં, ખાસ કરીને મહિલાઓમાં સોનાના ઘરેણાં પહેરવા અને ખરીદવાનો એક અનોખો ક્રેઝ છે. વર્ષ 2025ની શરૂઆતના આંકડા મુજબ, ભારતીય મહિલાઓ પાસે અંદાજે 25,488 ટન જેટલું સોનું છે. આની સરખામણીમાં ભારત સરકાર પાસે અંદાજે 900 ટન સોનું છે.
આ જ કારણ હતું કે, ભારતને પ્રાચીન સમયમાં “સોનાની ચિડિયા” કહેવામાં આવતું હતું. આજે પણ ભારતમાં સોના પ્રત્યે લોકોનું આકર્ષણ જરાય ઘટ્યું નથી. અમેરિકા-ચીન વચ્ચેનો તણાવ, ડોલરની નબળાઈ, રાજકીય અનિશ્ચિતતા અથવા શેરબજારમાં કડાકા જેવી પરિસ્થિતિઓમાં લોકો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે.
ભારતમાં સોનું ખરીદવાની સૌથી પરંપરાગત રીત ‘ફિઝિકલ ગોલ્ડ’ (સોનાના ઘરેણાં કે સિક્કા) છે. લોકો જ્વેલરી શોપમાંથી દાગીના ખરીદે છે અને તેને ઘરમાં રાખે છે પરંતુ ફિઝિકલ ગોલ્ડની સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકો તેને રોકાણ (એસેટ) બનાવવાને બદલે ‘ભાવનાત્મક મિલકત’ બનાવી દે છે.
આનાથી વિપરિત, ડિજિટલ ગોલ્ડ માં કોઈ ભાવનાત્મક જોડાણ હોતું નથી. ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) જેવા વિકલ્પો આજે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. યુવા રોકાણકારો ખાસ કરીને ડિજિટલ ગોલ્ડને વધુ પસંદ કરી રહ્યા છે.
ભારતમાં સોનું વેચવા પર ટેક્સ ચૂકવવો પડે છે, જે તેના સમયગાળા પર આધારિત છે:
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG): જો સોનું ખરીદ્યાના 24 મહિનાથી ઓછા સમયમાં વેચવામાં આવે, તો તેના પર થતા નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. આ ટેક્સ તમારા ઈન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slab) મુજબ ગણાય છે.
લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG): જો સોનું 24 મહિનાથી વધુ સમય રાખ્યા પછી વેચવામાં આવે, તો તેના પર 12.5 ટકા ફ્લેટ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે.
આ જ કારણ છે કે, મોટાભાગના લોકો સોનાને લાંબા સમય સુધી પોતાની પાસે રાખવાનું (Hold કરવાનું) પસંદ કરે છે, જેથી ટેક્સનો બોજ ઓછો લાગે.
એક સર્વે મુજબ, ભારતમાં લગભગ 65 ટકા યુવા રોકાણકારો ડિજિટલ ગોલ્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે.
પાકું બિલ લેવું: હંમેશા અધિકૃત જ્વેલર પાસેથી ખરીદી કરો અને પાકું જીએસટી (GST) બિલ જરૂરથી લેવું.
હોલમાર્કિંગ તપાસો: સોના પર BIS હોલમાર્ક અને HUID (Hallmark Unique Identification) નંબર જરૂરથી ચેક કરો. આ સોનાની શુદ્ધતાની ગેરંટી છે.
શુદ્ધતાનું પ્રમાણ: સોનું કેટલા કેરેટનું છે (દા.ત. 22K કે 24K) તેનું પ્રમાણપત્ર અથવા બિલ પર સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
બિલ સુરક્ષિત રાખો: તમારા સોનાના બિલને કાયમ સાચવીને રાખો, કારણ કે ભવિષ્યમાં જ્યારે તમે સોનું વેચવા જશો અથવા આવકવેરા (Income Tax) ની તપાસ જેવી સ્થિતિમાં આ દસ્તાવેજ ખૂબ જ જરૂરી સાબિત થશે. સોનું હંમેશાથી એક સુરક્ષિત રોકાણ રહ્યું છે પરંતુ રોકાણ કરતા પહેલા રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે.
“ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ, ETF, મ્યુચ્યુઅલ ફંડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ” કયા માધ્યમથી રોકાણ કરવું, તેનો નિર્ણય તમારી રણનીતિ પર આધાર રાખે છે. સમજદારીથી રોકાણ કરો અને સોનાને માત્ર એક ભાવનાત્મક મિલકત તરીકે નહીં પરંતુ એક સચોટ રોકાણ તરીકે જુઓ.