મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરૂવારે તા. ૨૫ નવેમ્બર-ર૦૨૧એ નવી દિલ્હીમાં સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૨૨ સંદર્ભે બેઠકો યોજશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે, જયાં વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.
વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ-શો અને ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન મિટીંગનું આયોજન
મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.
મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ રોડ-શો યોજાવાના રહ્યા છે જે અંતર્ગત પ્રથમ રોડ-શો આવતીકાલે દિલ્હીમાં થશે.
Published On - 6:43 pm, Wed, 24 November 21