
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ આજકાલ સામાન્ય માણસના બજેટ પર ભારે અસર કરી રહ્યા છે. ઓફિસ જવાથી લઈને લાંબી મુસાફરી પર જવા સુધી દરેકને પોતાના ખિસ્સા પર નજર રાખવી પડે છે. હાલની તારીખમાં વાહનની ટાંકી વારંવાર ફુલ કરવી એ એક મોટો ખર્ચ બની ગયો છે.
‘ફ્યુઅલ કાર્ડ’ એ એક પેમેન્ટ કાર્ડ છે, જે ખાસ કરીને ઇંધણ (ફ્યુઅલ) ખરીદવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની જેમ જ કામ કરે છે પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે સર્વિસ સ્ટેશનો પર ઇંધણ ખરીદવા માટે થાય છે.
‘ફ્યુઅલ કાર્ડ’ કંપનીઓ અથવા ફ્લીટ ઓપરેટરો દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે અને ડ્રાઈવર તેનો ઉપયોગ કેશ કે કાર્ડ વિના ફ્યૂલના પેમેન્ટ માટે કરી શકે છે.
ફ્યુઅલ કાર્ડ વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં ખર્ચ ટ્રેકિંગ, બજેટ મેનેજમેન્ટ અને બીજા ખર્ચનો સમાવેશ થાય છે. આનો ઉપયોગ કારથી લઈને ટ્રક સુધી અનેક પ્રકારના વાહનો માટે કરી શકાય છે, જે કારણે તે અલગ અલગ પ્રકારના વાહનો ધરાવતા વ્યવસાયો માટે યોગ્ય છે.
‘ફ્યુઅલ સ્માર્ટ કાર્ડ’ અથવા ‘ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ’ માત્ર ફ્યુઅલ રિફિલ પ્રોસેસને સરળ બનાવે છે અને દર મહિને તમારા બેંક ખાતામાં નોંધપાત્ર બચત પણ સુનિશ્ચિત કરે છે.
‘ફ્યુઅલ સ્માર્ટ કાર્ડ્સ’ ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી બેંકો તેમજ ઓઇલ કંપનીઓ વચ્ચે ખાસ ભાગીદારી દ્વારા બનાવવામાં આવે છે. એસબીઆઈ, એચડીએફસી અને એક્સિસ જેવી મોટી બેંકો એવા કાર્ડ ઓફર કરે છે, જે ખાસ કરીને પેટ્રોલ પંપ પર ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.
આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે, જ્યારે તમે તેનો ઉપયોગ પેમેન્ટ માટે કરો છો, ત્યારે તમને રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક મળે છે.
આ કાર્ડ્સનો બીજો મોટો ફાયદો એ છે કે, ફ્યુઅલ સરચાર્જમાં છૂટ આપવામાં આવે છે. સાધારણ કાર્ડથી પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરતી વખતે સામાન્ય રીતે 1% વધારાનો સરચાર્જ વસૂલવામાં આવે છે પરંતુ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાથી આ રકમ બચી જાય છે.
વધુમાં, તમે જે રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરો છો, તેનો ઉપયોગ પછીથી મફત પેટ્રોલ ભરાવવા, હોટલ બુકિંગ અથવા શોપિંગ વાઉચર તરીકે કરી શકાય છે. કેટલાક પ્રીમિયમ કાર્ડ્સ ડાઇનિંગ અને ટ્રાવેલ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે.