Foreign Exchange Reserves:ગત સપ્તાહે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ 10 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 1.34 અબજ ડોલર ઘટીને 641.113 અબજ ડોલર થયું હતું. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના લેટેસ્ટ ડેટામાં આ માહિતી સામે આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 8.895 અબજ ડોલર વધીને 642.453 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક ડેટા દર્શાવે છે કે 10 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં ઘટાડાને કારણે છે, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે. રિઝર્વ બેંકે કહ્યું કે ભારતની વિદેશી ચલણ સંપત્તિ (FCA) સમીક્ષા હેઠળના સપ્તાહમાં 934 મિલિયન ડોલર ઘટીને 578.879 અબજ ડોલર રહી છે. વિદેશી ચલણ અસ્કયામતો જે ડોલરમાં દર્શાવવામાં આવે છે તેમાં અન્ય વિદેશી મુદ્રાઓ જેવા કે યુરો, પાઉન્ડ અને અન્ય વિદેશી ચલણનો ભંડારના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.
સોનાના ભંડારમાં પણ ઘટાડો
રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાનો ભંડાર પણ 413 મિલિયન ડોલર ઘટીને 37.669 અબજ ડોલર થયો છે. IMF માં દેશના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) એક મિલિયન ડોલર વધીને 19.438 અબજ ડોલર અને IMF પાસે દેશનું વિદેશી મુદ્રા ભંડાર 5 મિલિયન વધીને 5.127 અબજ ડોલર થયું છે.
આ સપ્તાહે ડોલર મજબૂત રહ્યો
સાપ્તાહિક ધોરણે આ સતત બીજું સપ્તાહ છે જ્યારે રૂપિયાએ ડોલર સામે ઘટાડો નોંધાવ્યો છે. આ સપ્તાહે ડોલર ઇન્ડેક્સ 0.69 ટકાના વધારા સાથે 93.225 પર બંધ થયો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં રાતોરાત ઘટાડાને કારણે શુક્રવારે દેશની રાજધાનીમાં સોનું રૂ.1,130 ઘટીને 45,207 પ્રતિ 10 ગ્રામ થયું હતું.
શેરબજારમાં સતત રોકાણ વધી રહ્યું છે
શુક્રવારે સેન્સેક્સ 125 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જોકે વેપાર દરમિયાન શરૂઆતમાં સૂચકાંકો વિક્રમી સપાટીએ ગયા હતા પરંતુ અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મેટલ અને આઈટી શેરોમાં રોકાણકારોના પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન, 30 શેરો પર આધારિત સેન્સેક્સમાં 866 પોઇન્ટની વધઘટ થઇ હતી. કારોબારના અંતે 125.27 પોઇન્ટ અથવા 0.21 ટકા ઘટીને 59,015.89 પર બંધ થયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44.35 પોઇન્ટ અથવા 0.25 ટકા ઘટીને 17,585.15 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે 17,792.95 પોઇન્ટના સર્વોચ્ચ સ્તર પર ગયો હતો.
આ પણ વાંચો : કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે