જિંદાલ ગ્રુપની ચેરપર્સન સાવિત્રી જિંદલ (Savitri Jindal) ભારતની સૌથી ધનિક મહિલા છે. ફોર્બ્સની બિલિયોનેર્સ લિસ્ટ 2022 અનુસાર, તેમની કુલ સંપત્તિ $17.7 બિલિયન છે. ફોર્બ્સની બિલિયોનેર્સ લિસ્ટ 2022માં (Forbes Billionaires List 2022) ચાર નવી અબજોપતિ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આ વર્ષે કુલ 11 ભારતીય મહિલાઓ વિશ્વની સૌથી ધનિકોની યાદીમાં સ્થાન મેળવી ચુકી છે. નવા ચહેરાઓમાં બ્યુટી અને ફેશનની દિગ્ગજ કંપની નાયકાના સીઈઓ ફાલ્ગુની નાયર છે, જેમણે ગયા વર્ષે નવેમ્બરમાં સફળ IPO પછી અબજોપતિ ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 90.7 બિલિયન ડોલર છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં અંબાણી 10માં નંબરે છે. જ્યારે અદાણી જૂથના વડા ગૌતમ અદાણી 90 અબજ ડોલરની સંપત્તિ સાથે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સની અમીરોની યાદીમાં અદાણી 11મા નંબરે છે.
રિપોર્ટ અનુસાર, સૌંદર્ય પ્રસાધનોની દિગ્ગજ કંપની L’Orealના સ્થાપકની પૌત્રી ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ આ વર્ષે વિશ્વની સૌથી અમીર મહિલા તરીકે સૂચિબદ્ધ થઈ છે. તેમની કુલ સંપત્તિ 74.8 બિલિયન ડોલર છે. મેયર્સની નેટવર્થ છેલ્લા બે વર્ષમાં ઝડપથી વધી છે, જે 2020માં 48.9 બિલિયન ડોલર હતી.
આ વર્ષે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં કુલ 327 મહિલાઓ છે. મેયર્સ પછીના ક્રમમાં એલિસ વોલ્ટન ($65.3 બિલિયન), વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટનની એકમાત્ર પુત્રી, કોચ ઈન્ડસ્ટ્રીઝની જુલિયા કોચ ($60 બિલિયન) અને પરોપકારી મેકેન્ઝી સ્કોટ ($43.5 બિલિયન) આવે છે. જેમણે તાજેતરમાં 1,250 થી વધુ સંસ્થાઓને 12.5 બિલિયન ડોલરનું દાન કર્યું છે.
ભારતમાં, મહિલા અબજોપતિઓ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ અને અન્ય ક્ષેત્રોમાંથી હતા. લીના તિવારી, કિરણ મઝુમદાર શૉ અને સ્મિતા ક્રિષ્ના-ગોદરેજ પણ આ યાદીમાં અગ્રણી ચહેરાઓ છે.
સ્થાપક ફાલ્ગુની નય્યર એક સ્વયં નિર્મિત મહિલા ઉદ્યોગસાહસિક છે. ફાલ્ગુનીની કુલ સંપત્તિ $4.4 બિલિયન છે. સંપત્તિના સંદર્ભમાં, વિશ્વમાં તેમનું સ્થાન 653માં નંબર પર આવે છે. વિશ્વમાં 682માં નંબર પર પોતાનું સ્થાન બનાવનાર લીના તિવારી દેશની ત્રીજી સૌથી અમીર મહિલા છે. તેમની કુલ સંપત્તિ 4.2 બિલિયન ડોલર છે. સ્વયં નિર્મિત મહિલા ઉદ્યોગસાહસિક કિરણ મઝુમદાર શૉ પણ દેશની સૌથી ધનિક મહિલાઓમાંના એક છે. તેમની કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.