
ફેસબુકની મૂળ કંપની મેટા વધુ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી રહી છે. સાથે જ ખર્ચમાં ઘટાડો કરતા 5000 પદ પર નિમણુક કરવામાં આવશે નહીં. કંપનીએ મંગળવારે જણાવ્યું કે તે પોતાની ટીમ ઘટાડશે અને પોતાની ટેક્નોલોજી ગ્રુપમાં એપ્રિલના અંત સુધીમાં વધુ લોકોને નોકરીમાંથી કાઢી મુકશે.
ત્યારબાદ મેના અંતમાં બિઝનેસ ગ્રુપમાંથી લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે. સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે આ મુશ્કેલ રહેશે કે અમારા પ્રતિભાશાળી અને જુસ્સાદાર સહયોગીઓને અલવિદા કહેવું કે જેઓ અમારી સફળતાનો હિસ્સો રહ્યા છે પણ હવે કોઈ રસ્તો બચ્યો નથી. કંપનીએ મેટાવર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઘણા અરબ ડોલરનું રોકાણ કર્યુ છે. તેણે ચોથા ક્વાર્ટરમાં ઓછો નફો અને આવક મેળવી હતી, જે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટમાં મંદી અને TikTok જેવા હરીફોની હરીફાઈથી પ્રભાવિત હતી.
Facebook-parent Meta Platforms said it would cut 10,000 jobs, just four months after it let go 11,000 employees; first big tech company to announce a second round of mass layoffs; reports Reuters pic.twitter.com/5TowOa5lqS
— ANI (@ANI) March 14, 2023
કંપનીએ નવેમ્બરમાં 11000 નોકરીઓને ખત્મ કરવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર 2022 સુધી મેટામાં 87,314 કર્મચારી હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ નવેમ્બરમાં 11,000 લોકોની છટણી કરવામાં આવી અને હવે 10000 લોકોની છટણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કંપનીમાં કર્મચારીઓને સંખ્યા લગભગ 66,000 થઈ જશે. મોંઘવારી, મંદીની આશંકા અને મહામારીની અસર વચ્ચે મેટા તે મોટી ટેક કંપનીઓમાંથી એક છે, જ્યાં છેલ્લા કેટલાક સમયમાં ઘણા લોકોની છટણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Imran Khanની ધરપકડ પહેલા લાહૌરમાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા, મોબાઈલ સિગ્નલ બંધ પ્રસારણ પર પ્રતિબંધ
જાન્યુઆરી 2022થી ટેક ઈન્ડસ્ટ્રીએ હજારો કર્મચારીઓને કાઢી મુક્યા છે. અલ્ફાબેટ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી અન્ય મુખ્ય કંપનીઓએ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢ્યા હતા. જો કે મેટા છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરનારી પ્રથમ મોટી ટેક કંપની બની ગઈ છે.
આ પહેલા માઈક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, જ્યારે ગૂગલે 12000 કર્મચારીઓને કાઢ્યા હતા. એમેઝોને પણ 18000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. રિપોર્ટ મુજબ 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે 60 ટકાથી વધારે કર્મચારીઓને હટાવી દીધા.