દેશમાં ઉર્જાની સમસ્યા હળવી કરતા ઇથેનોલ પેટ્રોલ 1 એપ્રિલ 2023 થી દેશમાં ઘણા સ્થળોએ ઉપલબ્ધ થવાનું શરૂ થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી એ આ માહિતી આપી છે . તેમણે ઉમેર્યું કે પેટ્રોલમાં E20 એટલે કે 20 ટકા ઇથેનોલ મિશ્રણ દેશમાં તબક્કાવાર રીતે વાહનોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો પહેલો તબક્કો 1 એપ્રિલ, 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. તે દેશના કેટલાક શહેરોમાં ઉપલબ્ધ થવાનું શરૂ થશે. આ પછી તેને ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. આ સાથે સરકારને પેટ્રોલ પરના ભારણમાંથી ઘણી રાહત મળવાની આશા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કામ માટે દેશના કેટલાક પસંદગીના શહેરોના પેટ્રોલ પંપની પસંદગી કરવામાં આવશે જ્યાં આ ઇંધણને સામાન્ય લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે તમારે કારના એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. મંત્રાલયની સૂચિત યોજનાના અમલીકરણથી પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરવાની સરકારની યોજનાને વેગ મળશે જેમાં વર્ષ 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં પેટ્રોલના કુલ પુરવઠામાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો કે, આ મિશ્રણની છેલ્લી તારીખ અગાઉ 2030 રાખવામાં આવી હતી, જે હવે ઘટાડી દેવામાં આવી છે કારણ કે ક્રૂડ ઇથેનોલનો પુરવઠો ખૂબ જ ઝડપથી વધી ગયો છે.
પુરી કહે છે કે ભારત 2040 સુધીમાં ઇથેનોલની વૈશ્વિક માંગનો 25 ટકા હિસ્સો મેળવવાના માર્ગે છે. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ 2013-14માં 1.53 ટકાથી વધારીને 2022માં 10.17 ટકા કર્યું છે. 2025 સુધીમાં 20 ટકા મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે, દેશને 10.2 થી 11 અબજ લિટર ઇથેનોલની જરૂર છે.
દેશમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો કરવામાં આવી રહ્યો છે. દેશને લગભગ 14.5 અબજ લિટર ઇથેનોલની જરૂર છે. તેના કેટલાક ઉત્પાદનનો ઉપયોગ સ્ટાર્ચ અને રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે. ઉત્પાદનની વાત કરીએ તો શેરડીમાંથી લગભગ 7.6 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન થાય છે. 7.2 બિલિયન લિટર અનાજ અને બિન-અનાજ આધારિત સ્ત્રોતો જેવા કે ડાંગરના સ્ટ્રો વગેરેમાંથી ઉત્પાદન કરવામાં આવે છે.
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
Published On - 7:21 am, Fri, 13 January 23