
ભારતના ઉર્જા ક્ષેત્ર અને પર્યાવરણ સુધારણાની દિશામાં ‘ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ’ (EBP) કાર્યક્રમ એક બહુ મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યો છે. રવિવારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર અહેવાલ મુજબ, આ અભિયાને માત્ર વિદેશથી મંગાવવામાં આવતા કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ખર્ચમાં ઘટાડો કરીને દેશની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો નથી કરાવ્યો, પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં અને દેશના ખેડૂતોની આવક વધારવામાં પણ ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.
સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2014-15 થી લઈને મે 2026 સુધીમાં, પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાના આ મિશ્રણ કાર્યક્રમથી દેશે 1.90 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની વિદેશી મુદ્રા (ફોરેક્સ રિઝર્વ) ની બચત કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતે વિદેશથી મંગાવવામાં આવતા 310 લાખ મેટ્રિક ટન કાચા તેલની જગ્યાએ દેશમાં જ બનેલા સ્વદેશી ઇથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત પોતાની જરૂરિયાતનું આશરે 88.5 ટકા કાચું તેલ બહારના દેશોમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતા ઉતાર-ચઢાવ અને સંકટોની અસરથી બચવા માટે સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને સૌથી મોટી પ્રાથમિકતા આપી રહી છે.
આ યોજનાનો સૌથી મોટો આર્થિક ફાયદો દેશના અન્નદાતા એટલે કે ખેડૂતોને મળ્યો છે. શેરડી, મકાઈ અને તૂટેલા ચોખા (ડાંગર) માંથી બનાવવામાં આવતા ઇથેનોલના કારણે દેશના ખેડૂતોને 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થઈ છે.
આ સાથે જ પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ કાર્યક્રમ એક મોટી સફળતા લઈને આવ્યો છે. પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાને કારણે દેશમાં 930 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્સર્જન (હવાનું પ્રદૂષણ) ઓછું થયું છે, જે ભારતના ક્લીન એનર્જી (સ્વચ્છ ઉર્જા) ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.