દર મહિને નોકરી કરતા લોકોના પગારમાંથી અમુક રકમ કાપીને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. આ રકમ તમને નિવૃત્તિ સમયે તમને ઉપયોગી થાય છે, આ ઉપરાંત તે મુશ્કેલ સમયમાં પણ મદદ કરે છે. જો કે પ્રોવિડન્ટ ફંડમાંથી અધવચ્ચે પૈસા ઉપાડવાના નિયમો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી EPFOએ આ માટે એક સરળ સુવિધા શરૂ કરી હતી, જે હવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
કોવિડ -19 મહામારી દરમિયાન EPFOએ લોકોને સારવારથી લઈને તેમના આવશ્યક ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમની ભવિષ્ય નિધિમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી. આ સુવિધા દ્વારા પૈસા ઉપાડવાનું ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું હતું.
EPFOએ ‘કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી’ને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના નોન-રીફંડપાત્ર એડવાન્સ સ્કીમ હતી. આ સેવા કોવિડ-19 ના પ્રારંભિક તબક્કામાં EPF સભ્યોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી, બાદમાં આ સેવામાં વધુ સુધારો કરીને 2021માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશમાં કોવિડ-19ની બીજી લહેર જોવા મળી હતી.
EPFOએ એક નિવેદનમાં કહ્યું છે કે હવે ન તો કોવિડ-19 છે અને ન તો મહામારી છે. તેથી, આ એડવાન્સમાં પૈસા ચૂકવવાની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
EPFOની આ સુવિધા માટે કોવિડ-19 દરમિયાન જે લોકોને પોતાની અથવા તેમના પરિવારના સભ્યોની સારવાર માટે પૈસાની જરૂર હતી તેમને ઘણો ફાયદો થયો. તો જે લોકોએ તેમની નોકરી અથવા રોજગાર ગુમાવ્યો તેમને પણ આ સુવિધાથી ઘણી મદદ મળી.
આ સેવા હેઠળ, EPF સભ્યો તેમના 3 મહિનાનો પગાર (બેઝિક અને મોંઘવારી ભથ્થું) અથવા ફંડમાં જમા થયેલી રકમના 75 ટકા જે પણ ઓછું હોય તેમના ખાતામાંથી ઉપાડી શકે છે. તેણે આ રકમ તેના EPF ખાતામાં પાછી જમા કરાવવાની જરૂર નહોતી.
આ પણ વાંચો આવી ગઈ તારીખ…આ દિવસે ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો
Published On - 8:05 pm, Sat, 15 June 24