
એલોન મસ્કની સફર સાબિત કરે છે કે સતત જોખમ લેવા, નવી ટેકનોલોજીમાં રોકાણ કરવા અને મોટા વિઝન સાથે આગળ વધવાથી સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી શકાય છે. તાજેતરના કોર્ટના નિર્ણય બાદ તેમની સંપત્તિમાં થયેલા ભારે વધારાએ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે તેમનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ હવે આશરે $749 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ભારતની ચાર સૌથી મોટી કંપનીઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ભારતી એરટેલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ —ના સંયુક્ત બજાર મૂલ્ય કરતાં પણ વધારે છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા એક મોટા કોર્ટના નિર્ણય બાદ તેમની સંપત્તિમાં અચાનક જ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો.
ડેલવેર સુપ્રીમ કોર્ટે એલોન મસ્કના ટેસ્લા સ્ટોક ઓપ્શન પેકેજને પુનઃસ્થાપિત કરતાં જ તેમની નેટવર્થમાં ભારે વધારો નોંધાયો. આ પેકેજની કિંમત અંદાજે $139 બિલિયન હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2018માં તૈયાર કરાયેલ આ પેકેજને ઇતિહાસની સૌથી મોટી કોર્પોરેટ વળતર યોજનાઓમાંની એક ગણવામાં આવતું હતું. ગયા વર્ષે એક નીચલી કોર્ટે તેને અન્યાયી ગણાવી રદ કર્યું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેને સંપૂર્ણ રીતે ફરી માન્યતા આપી છે. આ નિર્ણય મસ્ક માટે કાનૂની જીત સાથે-સાથે બજારમાં તેમના પ્રભાવ અને વિશ્વાસનો પણ મોટો પુરાવો છે.
કોર્ટના નિર્ણય બાદ એક જ દિવસે એલોન મસ્કની સંપત્તિમાં અબજો ડોલરનો વધારો થયો. તેઓ પહેલેથી જ $600 બિલિયનથી વધુની નેટવર્થ ધરાવતા વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ચૂક્યા છે. સ્પેસએક્સની સંભવિત લિસ્ટિંગને કારણે તેમનું મૂલ્યાંકન આગળ વધવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.
નવેમ્બર મહિનામાં ટેસ્લાના શેરધારકોએ મસ્કના વિશાળ વળતર પેકેજને મંજૂરી આપી હતી, જેનાથી કંપનીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ક્ષેત્રમાં વધુ મજબૂતી સાથે આગળ વધવાની તક મળી છે. વધતી સંપત્તિના કારણે મસ્કે ગુગલના સહ-સ્થાપક લેરી પેજને પણ ઘણાં પાછળ છોડી દીધા છે. ફોર્બ્સ અનુસાર, મસ્ક તેમની સામે આશરે $500 બિલિયન આગળ છે.
એલોન મસ્કની સફળતા રાતોરાત મળી નથી. 1995માં તેમણે Zip2 શરૂ કરી હતી, જે પછી $307 મિલિયનમાં વેચાઈ ગઈ. ત્યારબાદ તેમણે X.com સ્થાપી, જે આગળ જઈને PayPal બની અને 2002માં eBay દ્વારા $1.5 બિલિયનમાં ખરીદવામાં આવી. ત્યારપછી તેમણે SpaceX લોન્ચ કરી, 2004માં Tesla સાથે જોડાયા અને 2008માં તેના CEO બન્યા. બાદમાં Neuralink અને The Boring Company જેવી કંપનીઓની પણ સ્થાપના કરી.
વર્ષ 2022માં એલોન મસ્કે $44 બિલિયનમાં ટ્વિટર ખરીદી, ત્યારબાદ તેનું નામ બદલીને X રાખ્યું. આજે X સોશિયલ મીડિયા ક્ષેત્રમાં મસ્કના સૌથી મોટા દાવ તરીકે જોવામાં આવે છે.