મારુતિ સુઝુકી(Maruti Suzuki) ભારતની એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. ભારતમાં મારુતિની શરૂઆત થઈ ત્યારથી તે 40 વર્ષ બાદ પ્રથમ વખત એવું કામ કરવા જઈ રહી છે જે રોકાણકારોને માલામાલ બનાવી શકે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ મંગળવારે શેર દીઠ રૂ. 90ના ડિવિડન્ડ(Maruti Suzuki India dividend)ની જાહેરાત કરી હતી
આ ડિવિડન્ડ છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ છે. મતલબ કે જો કોઈ રોકાણકાર પાસે મારુતિના 10,000 શેર છે તો તેને પ્રતિ શેર 90 રૂપિયાના ડિવિડન્ડ મુજબ 90,000 રૂપિયાનો ફાયદો મળશે. કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તેના બોર્ડે અર્નબ રોયની ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.
કંપનીના વર્તમાન સીએફઓ અજય સેઠ 31મી ડિસેમ્બર પછી કંપનીના સંપૂર્ણ સમયના પદ પરથી નિવૃત્ત થશે. ત્યારબાદ તે એક્ઝિક્યુટિવ બોર્ડ (MEB) ના સભ્ય તરીકે ચાલુ રહેશે. કંપનીની એજીએમમાં બોલતા એમએસઆઈએલના ચેરમેન આરસી ભાર્ગવે જણાવ્યું હતું કે, કંપની રૂ. 45,000 કરોડનું રોકાણ કરશે. તેનો ઉપયોગ આગામી આઠ વર્ષમાં (2031)માં કંપનીના ઉત્પાદનને 20 લાખથી વધારીને ચાર મિલિયન કરવા માટે કરવામાં આવશે.
તેમણે કહ્યું કે MSIL 2030 સુધીમાં છ ઇલેક્ટ્રિક વાહનો (EVs) બનાવશે, જેનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટમાં કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ EV સહિત ઉત્પાદન પર વધુ સારી પકડ મેળવવા માટે ગુજરાતમાં તેના જાપાનીઝ પેરન્ટ સુઝુકી મોટરના પ્લાન્ટને ખરીદવાની યોજના જાહેર કરી હતી.
MSIL નાણાકીય વર્ષ 2031 સુધીમાં આઠ લાખ કારની નિકાસ કરે તેવી પણ અપેક્ષા છે. ભાર્ગવે કહ્યું કે નાણાકીય વર્ષ 2023 સુધીમાં તે 2,59,333 વાહનોની નિકાસ કરશે. જો કંપનીના શેરની વાત કરીએ તો તે મંગળવારે BSE પર 9620.10 રૂપિયા પર બંધ થયો હતો. માહિતી અનુસાર, કંપનીનો શેર રૂ. 9595.05 પર ખૂલ્યો હતો અને રૂ. 9677.65ની દિવસની ઊંચી સપાટીએ પણ ગયો હતો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 2.90 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કંપનીના શેરનો ભાવ રૂ.10,000ને પાર કરી ગયો હતો.
ડિસ્ક્લેમર : શેરમાં રોકાણમાં જોખમ સમાયેલું છે. સમજદારીપૂર્વક નિષ્ણાંતની સલાહ સાથે રોકાણ કરવાની અમારી સલાહ છે.
Published On - 7:24 am, Wed, 30 August 23