સામાન્ય રીતે લોકો ખાસ દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. ધનતેરસ, પુષ્ય નક્ષત્ર વગેરે દિવસોમાં સોનું ખરીદવું એ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘર અને વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ધાર્મિક માન્યતાનો અવગણીએ તો પણ સોનું હંમેશા રોકાણની દ્રષ્ટિએ ખરુ જ સાબિત થયું છે. રોકાણના તમામ વિકલ્પોમાં, સોનું હંમેશા સૌથી સુરક્ષિત હોય છે અને સૌથી વધુ વળતર આપનારૂ છે. ભાગ્યે જ આવું કોઈને થયું હશે જેને સોનામાં નુકસાન થયું હોય.
સોનું વર્ષો વર્ષથી સચવાતુ આવતું હોય છે, ફક્ત રોકાણને લઈને જ નહી પરંતુ આવનારી પેઢીઓને આપવામાં ઘણા પ્રમાણમાં સોનાનો સંગ્રહ કરવામાં આવે છે. પરિવારની વૈભવ અને સમૃદ્ધિ દર્શાવવા માટે પણ સોનાનો ઉપયોગ થતો આવ્યો છે. એ હકીકત છે કે સોનું આપણને સારું વળતર આપે છે, પરંતુ તે કેટલું વળતર આપે છે, એક વર્ષમાં આપણને સોનાથી કેટલો ફાયદો થયો છે, તેની ગણતરી એક સામાન્ય માણસ ભાગ્યે જ કરે છે. પરંતુ એક રોકાણકાર તરીકે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સોનાએ એક વર્ષમાં કેટલું વળતર આપ્યું છે.
સોનાને કેટલું આપ્યું છે વળતર, જાણો નિષ્ણાંતોનો અભીપ્રાય
આંકડા દર્શાવે છે કે 10 વર્ષ પહેલા ધનતેરસ પર ખરીદેલું સોનું અત્યાર સુધીમાં વાર્ષિક 6.56 ટકાનું વળતર આપી રહ્યું છે અને આ વળતર છેલ્લા 10 વર્ષમાં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) માં 5.6 ટકાના વાર્ષિક વધારા કરતાં વધુ છે. સીઆઈઆઈના જણાવ્યા અનુસાર મોંઘવારી અને ખર્ચના ભાવમાં વધારાને કારણે સોનાના ભાવમાં ઘણો વધારો થયો છે. આ પછી પણ સોનું સારું વળતર આપી રહ્યું છે.
છેલ્લા એક દાયકામાં સોનું મોંઘવારીને હરાવવામાં સફળ રહ્યું હોવા છતાં, અન્ય વિકલ્પોની તુલનામાં તેની ચમક ઘટી જરૂર છે. જો કે, નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષો દરમિયાન 2015 અને 2020 ની વચ્ચે ખરીદવામાં આવેલ સોનાએ બે આંકડામાં વળતર આપ્યું છે. બીજી તરફ, છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે અને નકારાત્મક વળતર આપ્યું છે.
જ્યારે, ઓક્ટોબર 2011 થી BSE સેન્સેક્સ લગભગ 13 ટકા વધ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ મહામારી બાદ છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક આર્થિક રિકવરીમાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. નાણાકીય સલાહકારો રોકાણકારોને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં સોનાને વધુ સ્થાન આપવાની સલાહ આપતા નથી. મોંઘવારી અને બજારની અસ્થિરતા સામે સપોર્ટ તરીકે જ સોનાનો સમાવેશ કરવાનું કહેતા હોય છે.
ક્યુ ગોલ્ડ લેવું હીતાવહ રહેશેે ?
તમામ અનુભવ દર્શાવે છે કે જ્યારે પણ અર્થવ્યવસ્થામાં થોડો ઘટાડો થાય છે અથવા બજારમાં ઉથલપાથલ જોવા મળે છે, ત્યારે સોનાના ભાવમાં વધારો થાય છે. આ સ્થિતિમાં સોનું તમારી મદદ માટે આગળ ઊભું જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના વળતરનો અભ્યાસ કરો છો, તો તેણે એવું વળતર આપ્યું નથી જે તમારા નાણાકીય લક્ષ્યને પૂર્ણ કરી શકે અને આ વર્ષે સોનાએ બચત ખાતા કરતાં ઓછું વળતર આપ્યું છે.
જો તમે દર વર્ષે પરંપરાના ભાગ રૂપે તહેવારો દરમિયાન સોનું ખરીદો છો, તો નાણાકીય નિષ્ણાતો તમારા રોકાણ પોર્ટફોલિયોના 10% સુધી સોનાને મર્યાદિત કરવાની ભલામણ કરે છે. ફીઝીકલ સોનાને બદલે, તમે પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ માટે તેના વૈકલ્પિક ઉત્પાદનો જેમ કે ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) અને ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરી શકો છો. રોકાણકારોએ જ્વેલરીના રૂપમાં સોનું ખરીદવાનું ટાળવું જોઈએ અને રોકાણના હેતુ માટે ડિજિટલ સોનામાં રોકાણ કરવું જોઈએ.
(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી નફા કે નુક્સાન સાથે અમારા કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)
આ પણ વાંચો : Dhanteras 2021: સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ 5 બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ