
દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની ITC લિમિટેડ અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા એ સિગારેટની વિવિધ કેટેગરીમાં ભાવ વધારાની જાહેરાત કરીને ધૂમ્રપાન કરનારાઓને મોટો ઝટકો આપ્યો છે. સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં કરવામાં આવેલા વધારાની અસરને સરભર કરવા માટે કંપનીઓએ આ આકરો નિર્ણય લીધો છે. આ ભાવ વધારાનો મુખ્ય હેતુ કંપનીના પ્રતિ સ્ટિક દીઠ EBIT (વ્યાજ અને ટેક્સ પહેલાની કમાણી) માં સુધારો કરવાનો છે.
બજારના અહેવાલો મુજબ, ગોડફ્રે ફિલિપ્સે તેની લોકપ્રિય બ્રાન્ડ માર્લબોરો કોમ્પેક્ટ (Marlboro Compact) ની કિંમત 9.5 રૂપિયા પ્રતિ સ્ટિકથી વધારીને 11.5 રૂપિયા કરી દીધી છે. એટલે કે એક સ્ટિક પર સીધો 2 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ITC પણ તેના પોર્ટફોલિયોના લગભગ 50 ટકા હિસ્સામાં અપેક્ષા કરતા વધુ ભાવ વધારો કરી શકે છે. કંપની આગામી સમયમાં 74mm કેટેગરીમાં ઊંચી કિંમતે નવા ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
64mm થી ઓછી (DSFT): આ કેટેગરીમાં કિંમતોમાં 1.1 થી 2 રૂપિયાનો વધારો થયો છે, જે 1.35 રૂપિયાના એક્સાઈઝ વધારા સામે રક્ષણ આપશે.
74mm થી વધુ (King Size): કિંગ સાઈઝ ફિલ્ટર ટિપ કેટેગરીમાં કિંમતોમાં 7 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે એક્સાઈઝમાં 6.21 રૂપિયાનો વધારો થયો હતો.
97mm (Slims): સ્લિમ્સ કેટેગરીમાં કિંમત 5 રૂપિયા વધીને હવે 10 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ભાવ વધારાના સમાચાર આવતા જ શેરબજારમાં ITCના શેરમાં 2.09 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર 324.60 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, લાંબા ગાળે આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. ગોડફ્રે ફિલિપ્સનો શેર પણ 2.94 ટકા વધીને 2,073.80 રૂપિયા પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ભાવ વધવાને કારણે વેચાણના વોલ્યુમમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ કંપનીના ગ્રોસ પ્રોફિટમાં સુધારો થશે. B&K ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2027 સુધીમાં કંપનીના નફામાં અગાઉ ધારવામાં આવેલ 8 ટકાના ઘટાડાને બદલે માત્ર 2 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
Published On - 3:35 pm, Tue, 17 February 26