સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee) અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. સૂત્રો મુજબ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા અંગે ગુરૂવારે ચર્ચા થઈ હતી, ત્યારબાદ મોંઘવારી ભથ્થુ વધારવાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓને મળતુ ડીએ 31 ટકા થશે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (DR) દરમાં 1 જુલાઈથી 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે DAનો નવો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે DAમાં ત્રણ ટકાનો વધારો થતાં નવો દર 31 ટકા થયો છે.
આ નવા દરો 1 જુલાઈ, 2021થી લાગુ થશે. તેમજ અગાઉની બાકી રકમ પણ કર્મચારીઓને આપવામાં આવશે. આ મૂળભૂત પગાર(Basic Salary) અને પેન્શનના હાલના 28% પર વધારાના 3% ચૂકવવાપાત્ર હશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને લાભ થશે. આ સાથે કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 9,488.70 કરોડનો બોજ આવશે.
તમને જણાવી દઈએ કે કર્મચારી યુનિયન (Employee Union) દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માંગ કરવામાં આવી હતી. જેને કારણે મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયેલ 3 ટકાના વધારાને કારણે હવે કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર છે.
આ પણ વાંચો: LIC ના પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર, તાત્કાલિક પતાવી લો આ કામ, નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર