
જેન્સેન હુઆંગે Nvidia ના CEO પદેથી રાજીનામું આપ્યું છે. વર્તમાન ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસની વચગાળાના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી કાયમી CEOની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે. આ ફેરફાર બાદ પ્રશ્ન એ થાય છે કે, કોલેટ ક્રેસ કોણ છે, જે હવે વિશ્વની સૌથી મોટી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaની ધુરા સંભાળશે?
જેન્સેન હુઆંગનું રાજીનામું તેમના અંગત સંબંધો અંગેના મહત્વપૂર્ણ ખુલાસાઓ વચ્ચે આવ્યું છે. અહેવાલો અનુસાર, હુઆંગના કંપનીની જ એક મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હતા, જે સીધા તેમના હેઠળ કામ કરતા હતા. વધુમાં, એવો પણ ખુલાસો થયો છે કે તેમના એક એવી મહિલા સાથે પણ સંબંધ હતા, જેને યુએસ સત્તાવાળાઓએ ચીની જાસૂસ તરીકે ઓળખાવી છે. આ ખુલાસાઓ બાદ, કંપનીના બોર્ડે બુધવારે સાંજે નવા નેતૃત્વ અંગે નિર્ણય લેવા માટે કલાકો સુધી એક બેઠક યોજી હતી. જે બાદ કોલેટ ક્રેસને વચગાળાના CEO બનાવવમાં આવ્યા છે.
કોલેટ ક્રેસ ટેક્નોલોજી અને ફાઇનાન્સ ક્ષેત્રે લાંબો અનુભવ ધરાવે છે. તેઓ સપ્ટેમ્બર 2013માં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને CFO તરીકે Nvidia માં જોડાયા હતા. છેલ્લા 13 વર્ષથી કંપની સાથે જોડાયેલા હોવાથી, તેમણે Nvidia ને ગ્રાફિક્સ ચિપ ઉત્પાદકમાંથી વિશ્વની અગ્રણી AI ટેક્નોલોજી કંપનીઓમાંની એક બનતી જોઈ છે.
કોલેટ ક્રેસે યુનિવર્સિટી ઓફ એરિઝોનામાંથી ફાઇનાન્સમાં બેચલર ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Texas Instruments) થી કરી હતી, જ્યાં તેમણે લગભગ આઠ વર્ષ સુધી ફાઇનાન્સ સંબંધિત વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. 1997માં તેઓ માઇક્રોસોફ્ટ (Microsoft) માં જોડાયા, જ્યાં તેમણે લગભગ 13 વર્ષ કામ કર્યું. 2006માં, તેમની નિમણૂક માઇક્રોસોફ્ટના ‘સર્વર એન્ડ ટૂલ્સ’ વિભાગના CFO તરીકે કરવામાં આવી હતી, જે પદ પર તેઓ ચાર વર્ષ સુધી રહ્યા હતા.
2010માં, કોલેટ ક્રેસ સિસ્કો (Cisco) માં જોડાયા અને ત્યાં ‘બિઝનેસ ટેક્નોલોજી એન્ડ ઓપરેશન્સ ફાઇનાન્સ’ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને CFO તરીકે સેવા આપી. લગભગ ત્રણ વર્ષ પછી, સપ્ટેમ્બર 2013માં, તેઓ Nvidia માં જોડાયા. તેમની નિમણૂક સમયે, Nvidia ના CEO જેન્સેન હુઆંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ પોતાની સાથે બહોળો અનુભવ, નાણાકીય વ્યવસ્થાપન પર મજબૂત પકડ અને ટેક્નોલોજી ઉદ્યોગની ઊંડી સમજ લઈને આવ્યા છે.
આ અહેવાલો સામે આવ્યા બાદ, જેન્સેન હુઆંગે કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો, જેમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. તેમણે જણાવ્યું કે તેમના વર્તન માટે કોઈ બહાનું હોઈ શકે નહીં અને તેમણે પોતાના પરિવાર, કર્મચારીઓ, બોર્ડ, સહકર્મીઓ અને શેરધારકોનો વિશ્વાસ તોડવા બદલ ખેદ વ્યક્ત કર્યો. હુઆંગે કહ્યું કે ‘એનવિડિયા’ (Nvidia) નું નેતૃત્વ કરવું એ તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે; તેઓ કંપની પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને દરેકનો વિશ્વાસ ફરીથી જીતવા માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
CEO પદ માટે સંભવિત ઉત્તરાધિકારીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, જે નામો પર વિચારણા થઈ રહી છે તેમાં એપલના ભૂતપૂર્વ CEO ટિમ કૂક, એનવિડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (અને CUDA સોફ્ટવેર પ્લેટફોર્મના વડા) ઈયાન બક, અને ભારતીય મૂળના એનવિડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ જય પુરીનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ કંપનીના ગ્લોબલ સેલ્સ હેડ તરીકે સેવા આપી ચૂક્યા છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.