Breaking News: અદાણી ગ્રુપનો સ્માર્ટ મીટર માર્કેટમાં મોટો દાવ, ₹3,050 કરોડમાં IntelliSmartને કરી હસ્તગત

અદાણી એનર્જી સોલ્યુશન્સે ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 3,050 કરોડમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ મહત્વપૂર્ણ સોદો સ્માર્ટ મીટર માર્કેટમાં અદાણી ગ્રુપની પકડ મજબૂત બનાવશે.

Breaking News: અદાણી ગ્રુપનો સ્માર્ટ મીટર માર્કેટમાં મોટો દાવ, ₹3,050 કરોડમાં IntelliSmartને કરી હસ્તગત
| Updated on: Nov 14, 2026 | 2:02 PM

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપે વીજળી ક્ષેત્રમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (IntelliSmart Infrastructure)નું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. આ સમગ્ર સોદો ₹3,050 કરોડમાં થયો છે. આ સાથે જ અદાણી એનર્જી સોલ્યુશન્સે ઇન્ટેલીસ્માર્ટનો 100 ટકા હિસ્સો પોતાના નામે કર્યો છે. આ સોદાથી દેશમાં ઝડપથી વિકસી રહેલા સ્માર્ટ મીટર માર્કેટમાં અદાણી ગ્રુપની હાજરી વધુ મજબૂત બનશે.

NIIF અને EESL પાસેથી ખરીદ્યો 100 ટકા હિસ્સો

અદાણી એનર્જી સોલ્યુશન્સે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) પાસેથી ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇક્વિટી શેર મૂડીનો 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. ₹3,050 કરોડના આ વ્યવહારમાં કંપનીના તમામ શેરની ખરીદી ઉપરાંત NIIF પાસે રહેલા ઓપ્શનલ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (OCDs)નું રિડેમ્પશન પણ સામેલ છે.

NIIF ભારતનું સાર્વભૌમ આધાર ધરાવતું વૈકલ્પિક રોકાણ ભંડોળ છે, જ્યારે EESL કેન્દ્રીય ઊર્જા મંત્રાલય હેઠળની સરકારી કંપનીઓનું સંયુક્ત સાહસ છે. આ સોદા દ્વારા અદાણી ગ્રુપે સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

જૂનમાં થયો હતો કરાર, ઓક્ટોબરમાં CCIની મંજૂરી મળી

આ અધિગ્રહણની પ્રક્રિયા જૂન 2026માં શરૂ થઈ હતી. તે સમયે અદાણી એનર્જી સોલ્યુશન્સે ઇન્ટેલીસ્માર્ટમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે બંધનકર્તા કરારની જાહેરાત કરી હતી. મોટા વ્યાપારી સોદા માટે જરૂરી નિયમનકારી મંજૂરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. 30 ઓક્ટોબર 2026ના રોજ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ આ અધિગ્રહણને મંજૂરી આપી હતી. ત્યારબાદ કંપનીએ સોદો પૂર્ણ કર્યો હોવાની માહિતી સ્ટોક એક્સચેન્જને આપી હતી.

શું કામ કરે છે IntelliSmart અને Adani Energy Solutions?

ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં અદ્યતન મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે AMI ક્ષેત્રમાં કામ કરે છે. કંપની વીજળીના સ્માર્ટ મીટર લગાવવા, તેનું સંચાલન કરવા અને સંબંધિત ટેક્નોલોજી પૂરી પાડવાની કામગીરી સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત કંપની સ્માર્ટ ગેસ મીટરિંગ ક્ષેત્રમાં પણ કામગીરી કરે છે.

બીજી તરફ અદાણી એનર્જી સોલ્યુશન્સ વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં પહેલેથી જ સક્રિય છે. કંપની પાવર ટ્રાન્સમિશન નેટવર્ક, વીજળી વિતરણ અને સ્માર્ટ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે જોડાયેલી છે. હવે ઇન્ટેલીસ્માર્ટના અધિગ્રહણ બાદ આ ક્ષેત્રમાં અદાણી ગ્રુપની ક્ષમતામાં વધારો થશે.

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે સ્માર્ટ મીટરનું માર્કેટ

ભારતમાં સ્માર્ટ મીટરની માંગ આગામી વર્ષોમાં ઝડપથી વધવાની સંભાવના છે. સરકાર પણ વીજળી વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા અને જૂના મીટરને સ્માર્ટ મીટરથી બદલવા પર ભાર આપી રહી છે. એક અંદાજ મુજબ, વર્ષ 2023માં ભારતના સ્માર્ટ મીટર માર્કેટનું મૂલ્ય આશરે 219.7 મિલિયન ડોલર હતું. આ માર્કેટ વર્ષ 2032 સુધીમાં વધીને 3,179.5 મિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બજારનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 34.57 ટકા રહેવાનો અંદાજ છે.

ઊર્જા કાર્યક્ષમતા અને વીજળી વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે સરકારની નીતિઓને કારણે સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં રોકાણ અને કામગીરીની તકો વધી રહી છે. જૂના પરંપરાગત મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીના વપરાશ અને બિલિંગની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી શકે છે.

ગ્રાહકોને બિલિંગ શોકમાંથી કેવી રીતે મળશે રાહત?

સ્માર્ટ મીટરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વીજળીના વપરાશનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવે છે. પરંપરાગત મીટરમાં સામાન્ય રીતે મીટર રીડર દ્વારા રીડિંગ લેવામાં આવે છે, જ્યારે સ્માર્ટ મીટર વીજળી વિતરણ કંપની (DISCOM)ને સીધો ડેટા મોકલી શકે છે. જેના કારણે ગ્રાહકોને તેમના વીજળીના વપરાશ અંગે વધુ સચોટ માહિતી મળી શકે છે.

આ ટેક્નોલોજીથી ગ્રાહકો જાણી શકે છે કે તેઓ કેટલી વીજળી વાપરી રહ્યા છે અને તેના કારણે અંદાજે કેટલો ખર્ચ થઈ રહ્યો છે. પરિણામે મહિનાના અંતે અચાનક વધારે બિલ આવવાની સમસ્યા એટલે કે ‘બિલિંગ શોક’ ઘટાડવામાં મદદ મળી શકે છે. મીટર રીડિંગની પ્રક્રિયા ઓટોમેટિક થવાથી માનવીય ભૂલ, ખોટું રીડિંગ અને અંદાજિત બિલિંગની શક્યતા પણ ઘટે છે.

આ ઉપરાંત વીજળી વિતરણ કંપનીઓને પણ વપરાશનું વધુ સચોટ મોનિટરિંગ કરવામાં મદદ મળે છે. આમ, અદાણી ગ્રુપનું આ અધિગ્રહણ માત્ર એક મોટો વ્યાપારી સોદો નથી, પરંતુ ભારતના સ્માર્ટ મીટરિંગ અને વીજળી વિતરણ ક્ષેત્રમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે મહત્વપૂર્ણ પગલું પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો- વંદે ભારત ટ્રેનમાં અલગથી એન્જિન કેમ નથી હોતું? જાણો તેની ખાસ ટેક્નોલોજી

Follow Us
Loading...
Unable to load recommendations.