
વર્ષ 2023ની શરૂઆત પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થયો હોય કે જ્યારે કોઈ મોટી કંપનીએ મોટાપાયે છટણીની જાહેરાત ન કરી હોય. તમને જણાવી દઈએ કે એમેઝોને ફરી જાહેરાત કરી છે કે આવનારા કેટલાક અઠવાડિયામાં એમેઝોનમાં કામ કરતા 9 હજાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે.
એમેઝોનમાં છટણીના બીજા રાઉન્ડની માહિતી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ એન્ડી જેસીએ એક મેમોમાં આપી છે. માહિતી આપતા કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે કંપનીની વાર્ષિક આયોજન પ્રક્રિયા આ મહિને પૂર્ણ થશે અને ત્યારબાદ છટણીનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કંપની કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં નવી ભરતી કરશે.
આ પણ વાંચો: Metaમાં ફરી છટણી, 10000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત, ઝુકરબર્ગે કહ્યું ‘મુશ્કેલ નિર્ણય’
જાણકારી માટે તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, AWS સિવાય છટણીની અસર એડવર્ટાઈઝિંગ અને Twitchમાં જોવા મળશે. એટલે કે, આ વિભાગોમાં કામ કરતા લોકોને આ વખતે છટણીની અસર થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની આર્થિક સ્થિતિને સારી કરવા અને ખર્ચ ઘટાડવા માટે છટણીનો મોટો નિર્ણય લઈ રહી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ જાન્યુઆરી 2023માં એમેઝોને 18 હજાર લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો અને હવે ફરી એકવાર કંપની મોટાપાયે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે.
એમેઝોન પહેલા ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે. મેટામાં ગત વર્ષની શરૂઆતમાં 11 હજાર કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
ફેસબુકની મૂળ કંપની મેટા વધુ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી રહી છે. સાથે જ ખર્ચમાં ઘટાડો કરતા 5000 પદ પર નિમણુક કરવામાં આવશે નહીં. કંપનીએ મંગળવારે જણાવ્યું કે તે પોતાની ટીમ ઘટાડશે અને પોતાની ટેક્નોલોજી ગ્રુપમાં એપ્રિલના અંત સુધીમાં વધુ લોકોને નોકરીમાંથી કાઢી મુકશે.
જાન્યુઆરી 2022થી ટેક ઈન્ડસ્ટ્રીએ હજારો કર્મચારીઓને કાઢી મુક્યા છે. અલ્ફાબેટ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી અન્ય મુખ્ય કંપનીઓએ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢ્યા હતા. જો કે મેટા છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરનારી પ્રથમ મોટી ટેક કંપની બની ગઈ છે.
આ પહેલા માઈક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, જ્યારે ગૂગલે 12000 કર્મચારીઓને કાઢ્યા હતા. એમેઝોને પણ 18000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. રિપોર્ટ મુજબ 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે 60 ટકાથી વધારે કર્મચારીઓને હટાવી દીધા.