એક તરફ વૈશ્વિક બજારમાં તકેદારીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ(Sensex) અને નિફ્ટીમાં સતત છ દિવસે વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેત સહીત અન્ય યટર -ચઢવાના સંજોગો છતાં ડગમગ્યા વિના શેરબજારમાં 6 સત્રમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો છે. શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.
ખાસ વાત એ છે કે દેશમાં G20 સમિટનો માહોલ છે.વિશ્વના રોકાણકારોની નજર આ સમિટ પર ટકેલી છે. જેના કારણે રિટેલ રોકાણકારો તરફથી સતત ખરીદી જોવા મળી રહી છે.BSE માં લિસ્ટ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 3,20,94,202.12 કરોડના સ્તરે પહોંચ્યું છે. જે ભારતીય શેરબજાર માટે સારા સંકેત છે.
સેન્સેક્સ હજુ પણ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ 1000 પોઈન્ટ પાછળ છે. અનુમાન છે કે આવતા અઠવાડિયે સેન્સેક્સ લાઈફ ટાઈમ હાઈને પાર કરશે અને નિફ્ટી 20 હજારની સપાટી વટાવી જશે.
સેન્સેક્સ બંધ થયો ત્યારે યુકેના FTSE, ફ્રાન્સના CAC અને જર્મનીના DAX સહિતના ટોચના યુરોપિયન બજારો નોંધપાત્ર નુકસાન સાથે વેપાર કરી રહ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે સ્થાનિક રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં તેજીનું વાતાવરણ છે. આગામી થોડા અઠવાડિયામાં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વ અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિની બેઠકો બજારનો મૂડ નક્કી કરશે.
આ પણ વાંચો : 7th Pay Commission : G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત
સેન્સેક્સ અગાઉના 66,265.56ના બંધની સરખામણીએ 66,381.43 પર ખૂલ્યો હતો અને 501 પોઇન્ટ વધીને 66,766.92ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 333 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 66,598.91 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 19,819.95 પર બંધ થયો. સત્ર દરમિયાન 32,692.74ની તેની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી BSE મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકાના મજબૂત વધારા સાથે 32,672 પર બંધ થયો હતો. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સત્ર દરમિયાન 38,369.21 ની તેની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ તે 0.43 ટકા વધીને 38,266.53 પર બંધ થયો હતો. છેલ્લા છ સત્રોમાં સેન્સેક્સમાં 2.73 ટકા અને નિફ્ટીમાં 2.94 ટકાનો વધારો થયો છે.
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આજે વધીને રૂ. 320.9 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને માત્ર છ દિવસમાં 11.3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે. જો શુક્રવારની વાત કરીએ તો રોકાણકારોએ 1.8 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. છેલ્લા સત્રમાં BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 319.1 લાખ કરોડ હતું.