કપડા અને ફૂટવેર વેચ્યા બાદ હવે આદિત્ય બિરલા ગ્રુપ(Aditya Birla Group) જ્વેલરી બિઝનેસમાં પ્રવેશની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત ગ્રુપે રૂપિયા 5000 કરોડની યોજનાનું આયોજન કર્યું છે. આ આયોજન સાથે ગ્રુપ ટાટા ગ્રુપ(TATA Group)ના ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ગ્રુપ બ્રાન્ડેડ જ્વેલરી માર્કેટમાં પ્રવેશ કરી રહ્યું છે. ગ્રુપના નિવેદન અનુસાર નવા સાહસનું નામ “નોવેલ જ્વેલ્સ લિમિટેડ” (NOVEL JEWELS LIMITED)હશે જે સમગ્ર ભારતમાં જ્વેલરી સ્ટોર્સ ખોલશે. આ પ્રોજેક્ટમાં ઇન-હાઉસ બ્રાન્ડની જ્વેલરી હશે. પેઇન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ માટે B2B ઇ-કોમર્સ પછી છેલ્લા બે વર્ષમાં જૂથનું આ ત્રીજું મોટું સાહસ છે. આ ઉપરાંત જૂથ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ હેઠળ એક મોટો ફેશન રિટેલ બિઝનેસ પણ ચલાવી રહ્યું છે જે ગાર્મેન્ટ્સ, એસેસરીઝ અને ફૂટવેરનું વેચાણ કરે છે.
ગ્રુપે જણાવ્યું હતું કે બ્રાન્ડેડ જ્વેલરી રિટેલ સાહસ માટે સમગ્ર સ્ટાફની નવી ભરતી કરવામાં આવી છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટનો દેશની જીડીપીમાં લગભગ 7 ટકા હિસ્સો છે. ભારતનું જ્વેલરી માર્કેટ 2025 સુધીમાં વધીને $90 બિલિયન થવાની ધારણા છે. ભારત વૈશ્વિક સ્તરે સોનાના ઝવેરાત માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે. આ સાથે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને સોનામાંથી બનેલી જ્વેલરીની નિકાસ પણ કરે છે.
કંપનીના જણાવ્યા અનુસાર આ બજારની ઝડપી વૃદ્ધિ સાથે, અનૌપચારિક ક્ષેત્રથી ઔપચારિક ક્ષેત્રમાં સંક્રમણ થઈ રહ્યું છે. સમૂહ આ બજારમાં યોગ્ય સમયે પ્રવેશ કરી રહ્યું છે. જે ભારતીય ઉપભોક્તાઓને શ્રેષ્ઠ ડિઝાઇન સાથેની જ્વેલરી આપવા માટે તૈયાર છે. આદિત્ય બિરલા ગ્રૂપનો બિઝનેસ મેટલ, પલ્પ એન્ડ ફાઇબર, સિમેન્ટ, કેમિકલ, ટેક્સટાઇલ, કાર્બન બ્લેક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફેશન રિટેલ, રિન્યુએબલ એનર્જી અને ટ્રેડિંગ જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.