નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ -NCLT એ અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરને લઈને મોટો નિર્ણય આપ્યો છે. NCLTએ અદાણી પાવરમાં તેની 6 સબસિડિયરી કંપનીઓના મર્જરની યોજનાને મંજૂરી આપી છે. અદાણી પાવરે ગુરુવારે શેરબજારને આ માહિતી આપી હતી. અદાણી પાવર મહારાષ્ટ્ર, અદાણી પાવર રાજસ્થાન, ઉડુપી પાવર કોર્પોરેશન, રાયપુર એનર્જન, રાયગઢ એનર્જી જનરેશન અને અદાણી પાવર મુન્દ્રાને અદાણી પાવર સાથે મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કંપનીના સિક્યોર્ડ લેણદારોએ મર્જરની યોજનાને મંજૂરી આપી હતી. શુક્રવારે શેર 5 ટકા ઘટાડા સાથે 164.20 રૂપિયા ઉપર બંધ થયો હતો.
અદાણી પાવરમાં મર્જરના અહેવાલ આવ્યા પછી પણ અદાણી પાવરના શેરમાં સુધારો થયો નથી. હિંડનબર્ગ વિવાદ બાદથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સત્રમાં ઘટાડા સાથે બંધ થયેલો અદાણી પાવરનો સ્ટોક શુક્રવારે પણ 4.98 ટકા તૂટ્યો હતો. અદાણી પાવરના શેરનો 52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 432.50 છે જયારે તેનું 52 સપ્તાહનું સૌથી નીચલું સ્તર 106.10 રૂપિયા છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે NCLTની અમદાવાદ શાખાએ અદાણી પાવર લિમિટેડ સાથે તેની 6 સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓના જોડાણની યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં સામેલ છ કંપનીઓ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ, અદાણી પાવર રાજસ્થાન લિમિટેડ, ઉડુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, રાયપુર એનર્જન, રાયગઢ એનર્જી જનરેશન અને અદાણી પાવર મુંદ્રા છે.
એક અખબારી અહેવાલ મુજબ અદાણી ગ્રુપે આવતા મહિને બાકી 500 મિલિયન ડોલર બ્રિજ લોનની પૂર્વ ચુકવણી કરવાનું નક્કી કર્યું છે. વાસ્તવમાં કેટલીક બેંકોએ શોર્ટ સેલરના રિપોર્ટ બાદ લોનને રિફાઇનાન્સ કરવાનો ઇનકાર કર્યો છે. બાર્કલેઝ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ડોઇશ બેન્ક એ બેન્કોમાં સામેલ હતી જેણે ગયા વર્ષે હોલ્સિમની સિમેન્ટ અસ્કયામતો ખરીદવા માટે અદાણીને 4.5 બિલિયન ડોલર ધિરાણ આપ્યું હતું. તે લોનનો એક ભાગ 9 માર્ચે બાકી છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયાના એક અઠવાડિયા પહેલા સુધી ધિરાણકર્તાઓ લોનને પુનર્ધિરાણ કરવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા. પરંતુ હિન્ડેનબર્ગના અહેવાલ પછી, બેંકોએ પુનર્ધિરાણ કરવાનો નિર્ણય પાછો લઈ લીધો.
તમને જણાવી દઈએ કે Hindenburgનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપે પોતાનું સ્ટેન્ડ રાખતા તેને પાયાવિહોણું ગણાવ્યું હતું. અદાણી વતી રિસર્ચ ફર્મ દ્વારા ઉઠાવવામાં આવેલા 88 પ્રશ્નોના જવાબમાં 413 પાનાનો જવાબ આપવામાં આવ્યો હતો. તેના જવાબમાં, જૂથ વતી કહેવામાં આવ્યું હતું કે આ અહેવાલ તેને બદનામ કરવા માટે સામે લાવવામાં આવ્યો છે.
Published On - 7:45 am, Sat, 11 February 23