અદાણી ગ્રૂપની કંપનીઓમાં શેરમાં તેજી બરકરાર છે. જેમાં બજારમાં સુસ્તી વચ્ચે પણ શેરમાં ખરીદી ચાલુ છે અને તેના કારણે ગ્રુપ કંપનીઓ દેશના ઘણા મોટા નામોને પાછળ છોડી રહી છે. અદાણી ગ્રીન (Adani Green) જે ગઈ કાલે જ બજાર મૂલ્યની દૃષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાં સામેલ હતી, તે માત્ર એક જ દિવસમાં બે સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચી ગઈ છે. અદાણી ગ્રીને આજે એચડીએફસી (HDFC) અને બજાજ ફાઇનાન્સને પાછળ છોડી દીધું છે અને જો આ જ રીતે આગળ વધશે તો કંપની એક-બે દિવસમાં SBIને પણ પાછળ છોડી શકે છે. કંપનીઓના શેરમાં આવેલી આ તેજીની મદદથી ગૌતમ અદાણી (Gautam Adani) વર્ષ 2022માં વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ બની ગયા છે અને હાલમાં તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે.
બુધવારે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો છે અને શેર 2864.75 ના સ્તર પર બંધ થયો છે. સ્ટોકનું વર્ષનું સર્વોચ્ચ સ્તર 2,951.90 છે. આજની વૃદ્ધિ સાથે, કંપનીનું કુલ બજાર મૂલ્ય વધીને રૂ. 4,48,050 કરોડ થયું છે. આ બજાર મૂલ્ય સાથે, કંપની દેશની 8મી સૌથી મોટી કંપની બની ગઈ છે. આજે અદાણી ગ્રીને HDFC અને બજાજ ફાઇનાન્સને પાછળ છોડી દીધી હતી. એચડીએફસીનું બજાર મૂલ્ય હાલમાં રૂ. 4,31,028 કરોડ છે અને બજાજ ફાઇનાન્સનું બજાર મૂલ્ય રૂ. 4,43,685 કરોડ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અદાણી ગ્રીન કરતા આગળ છે જેની બજાર કિંમત રૂ. 4,61,848 કરોડ છે. એટલે કે અત્યારે અદાણી ગ્રીન અને સ્ટેટ બેન્ક વચ્ચે માત્ર 3 ટકાનો જ તફાવત છે. બાકીના 6 દિગ્ગજ જે સ્ટેટ બેંકથી ઉપરના રેન્ક પર છે તેઓ 5 લાખ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ છે. દેશની માત્ર 2 કંપનીઓ 10 લાખ કરોડના ક્લબમાં છે. અદાણી ગ્રીનનો સ્ટોક આ વર્ષે 100 ટકાથી વધુ વધ્યો છે.
કંપનીઓના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હાલમાં તેમની નેટવર્થ $118 બિલિયનના સ્તરે છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $44 બિલિયનનો વધારો થયો છે, આ સાથે તેઓ આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણી હાલમાં $95 બિલિયનની સંપત્તિ સાથે 11માં સ્થાને છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ઉપરાંત અઝીમ પ્રેમજી, શિવ નાદર વિશ્વના 50 ટોચના અબજપતિઓની યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:12 pm, Wed, 13 April 22