અદાણી-હિંડનબર્ગ કેસમાં દાખલ કરવામાં આવેલી તપાસની માંગ કરતી અરજીઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માર્કેટ રેગ્યુલેટર SEBI વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં આપશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ ઓપન કોર્ટમાં રિપોર્ટ આપી શકે નહીં.
આ પણ વાંચો: Adaniના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો, ફ્રેંચની આ કંપની સાથેની ડીલ થઈ શકે છે કેન્સલ
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કેન્દ્ર સરકાર અદાણી હિંડનબર્ગ કેસમાં એક સમિતિ બનાવવા માટે તૈયાર છે. રેગ્યુલેટરી મિકેનિઝમને મજબૂત કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની દરખાસ્ત સામે કોઈ વાંધો નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતોની સુરક્ષા માટે બનાવવામાં આવનાર આ સમિતિમાં કોનો સમાવેશ કરવામાં આવશે. તેને લઈ કેન્દ્ર સરકારને ગુરુવાર સુધીમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.
સોલિસિટર જનરલ શુક્રવાર સુધીમાં કોર્ટને જણાવશે કે કમિટીમાં કયા લોકોને સામેલ કરવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટમાં અદાણી હિંડનબર્ગ કેસની સુનાવણી શુક્રવાર સુધી ટાળી દેવામાં આવી છે. આ પહેલા શુક્રવાર એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ થયેલી સુનાવણીમાં સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે ભારતીય રોકાણકારોના હિતોની સુરક્ષા માટે એક મિકેનિઝમ બનાવવામાં આવશે. તે આના પર જવાબ આપશે અને બજારને સ્થિર કરવા માટે હાલના માળખા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે.
શુક્રવારે સુનાવણી દરમિયાન એડવોકેટ વિશાલે કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કોર્ટે હસ્તક્ષેપ કરીને તપાસ કરાવવી જોઈએ. એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે સેબી આ મામલાની તપાસ કરી રહી છે.
નોંધનીય બાબત એ છે કે ભારતીય રોકાણકારોની સુરક્ષા કેવી રીતે કરવી જ્યારે એક કંપનીના શેર શોર્ટ સેલ થઈ રહ્યા હોય. CJIએ કહ્યું કે શેરબજારમાં આવું બહુ નાના પાયે થાય છે, પરંતુ જો અખબારોમાં આવેલા સમાચાર સાચા હોય તો ભારતીય રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા.
જણાવી દઈએ કે સોમવારે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ગ્રાફમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૌતમ અદાણીએ નેટવર્થમાંથી માત્ર 3 કલાક એટલે કે 180 મિનિટમાં જ 25 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બીએસઈના ડેટા અનુસાર અદાણી ગ્રુપની 7 મોટી કંપનીઓમાંથી 5 કંપનીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ છે. બાકીની બે કંપનીઓના શેરમાં ઘટાડો છે. ફોર્બ્સની યાદી અનુસાર હાલમાં ગૌતમ અદાણી વિશ્વમાં 22મા સ્થાને આવી ગયા છે.