
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં 8મા પગાર પંચને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને એવા કર્મચારીઓના મનમાં અનેક સવાલો છે, જેઓ નવા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થઈ જશે. શું આવા કર્મચારીઓને પણ વધારેલા પગારનું એરિયર્સ મળશે? શું અગાઉથી નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓની પેન્શનમાં પણ વધારો થશે? આ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.
આઠમા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારના સત્તાવાર આદેશ પર નિર્ભર રહેશે. નિયમોની સંભવિત જોગવાઈ મુજબ, જો સરકાર નવા પગાર પંચને અગાઉની તારીખથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાનો નિર્ણય લે છે, તો આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ એરિયર્સનો લાભ મળી શકે છે.
આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ કેન્દ્રીય કર્મચારી વર્ષ 2027માં નિવૃત્ત થાય છે. ત્યારબાદ સરકાર 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી કરવાની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં કર્મચારીને 1 જાન્યુઆરી 2026થી તેની નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળાનું એરિયર્સ મળી શકે છે. આ રકમ જૂના પગાર અને સુધારેલા પગાર વચ્ચેના તફાવતના આધારે નક્કી થઈ શકે છે. જોકે, વાસ્તવિક ચુકવણી સરકારના અંતિમ નિયમો અને શરતો પ્રમાણે જ થશે.
માત્ર નવા પગાર પંચની અમલીકરણ તારીખ નક્કી થવાથી દરેક કર્મચારીને આપમેળે એરિયર્સ મળી જશે એવું કહી શકાય નહીં. કોને લાભ મળશે અને તેની ગણતરી કેવી રીતે થશે તે અંગે સરકારના અંતિમ આદેશની રાહ જોવી પડશે.
આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રમાં પેન્શન સંબંધિત મુદ્દાઓની સમીક્ષા પણ સામેલ છે. જો સરકાર પેન્શન વધારવા અંગેની ભલામણોને મંજૂરી આપે છે, તો અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને પણ સુધારેલી પેન્શનનો લાભ મળી શકે છે.
નિવૃત્ત કર્મચારીઓની આ ચિંતાને ધ્યાનમાં રાખીને રિટાયર્ડ એમ્પ્લોયીઝ વેલ્ફેર એસોસિએશન (REWA) દ્વારા સપ્ટેમ્બર 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો. એસોસિએશને માંગ કરી છે કે 8મા પગાર પંચના લાભોમાં અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવે. આ ઉપરાંત, પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં જરૂરી ફેરફાર કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
REWAનું કહેવું છે કે 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનધારકો તેમજ ફેમિલી પેન્શન મેળવતા લોકોને પણ પેન્શન સુધારણાની પ્રક્રિયામાં સ્પષ્ટ રીતે આવરી લેવા જોઈએ. નિવૃત્ત કર્મચારીઓમાં એવી ચિંતા છે કે તેમની નિવૃત્તિની તારીખને કારણે તેઓ નવા પગાર પંચના લાભોથી વંચિત ન રહી જાય.
હાલમાં 8મા પગાર પંચનો લાભ અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારીઓને કઈ રીતે મળશે તે અંગે અંતિમ સ્પષ્ટતા નથી. એરિયર્સની ચુકવણી હોય કે પેન્શનમાં વધારો, બંને બાબતો પંચની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર આધારિત રહેશે. આથી, નિવૃત્તિની નજીક પહોંચેલા કર્મચારીઓ અને હાલના પેન્શનધારકોએ સરકારના સત્તાવાર નિર્ણયની રાહ જોવી પડશે.