
7th Pay Commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી ટૂંક સમયમાં ખુશખબર આવવાની છે. કર્મચારીઓ DA માં વધારાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. નજીકના સમયગાળામાં આ અંગેની જાહેરાત થાય તેવી શક્યતા છે. ડીએમાં વધારાની જાહેરાતની તારીખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર 2023 મહિનામાં નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
રિપોર્ટ અનુસાર, જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર 15 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, આવી સ્થિતિમાં સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરીને 45 ટકા કરે તેવી અપેક્ષા છે. ડીએમાં વધારો 1 જુલાઈ 2023થી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના નવીનતમ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે.
પીટીઆઈએ તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાને ટાંકીને જણાવ્યું હતું કે જૂન 2023 માટે સીપીઆઈ-આઈડબ્લ્યુ 31 જુલાઈ, 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અમે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ. આ સામે મોંઘવારી ભથ્થામાં એકાદ ટકાના ફેરફાર સાથે ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે. આમ ડીએ ત્રણ ટકાથી વધીને 45 ટકા થવાની શક્યતા છે. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએમાં વધારા માટે પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મંજૂરી માટે પ્રસ્તાવ મૂકશે. જે બાદ ડીએમાં વધારો જાહેર કરવામાં આવશે.
હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ મળે છે, પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે. ડીએ અને ડીઆર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. છેલ્લો ડીએ વધારો માર્ચ 2023માં કરવામાં આવ્યો હતો અને તેમાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કરવામાં આવ્યો હતો. વિવિધ અહેવાલો મુજબ, વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં લેતા, ડીએ વધારો 3% હોઈ શકે છે.