BUDGET 2022: નોકરિયાત વર્ગને આ BUDGETમાં મળશે રાહત?

| Edited By: | Updated on: Jan 29, 2022 | 11:40 AM

નોકરિયાત વર્ગ (SALARIED CLASS) મહા-મહેનતે થોડી ઘણી બચત કરે છે, પરંતુ તેમાં કર-કપાતનો લાભ મર્યાદિત હોવાથી પૂરતો ફાયદો ખિસ્સામાં નથી જતો, છેલ્લાં 8 વર્ષથી 80C હેઠળ મળતી કર-કપાતની મર્યાદા વધી નથી, તો આ બજેટમાં તેની મર્યાદા વધે તેવી આશા નોકરિયાત વર્ગમાં છે

આગ્રામાં રહેતા રવિ પ્રકાશ કોરોનાથી તો બચી ગયા, પરંતુ તેની સાઈડ ઇફેક્ટથી તેમના ખિસ્સા ખાલી થઈ ગયા. બે વર્ષ થઈ ગયા, હજુ સુધી તેમને કંપનીમાંથી પગારવધારો મળ્યો નથી. માત્ર આશ્વાસન એટલું લેવાનું છે કે કોરોનાની મહામારીમાં પણ તેમની નોકરી બચી ગઇ.
રવિ તો એક ઉદાહરણ છે. રવિ જેવા અનેક મધ્ય વર્ગના પરિવાર છે કે જેઓ ધક્કા મારીને જીવનની ગાડીને આગળ ધકેલી રહ્યા છે. આ મધ્યમ વર્ગની ઈચ્છા છે કે, તેઓ કરકસર કરીને જે બચત કરે છે, તેના પર સરકાર થોડીક કર-રાહતો આપી દે.

સરકાર વધારે કશું ના કરે, પણ આવકવેરાની કલમ 80C (નોંધઃ 80C ને EIGHTY- C વાંચવું, એંસી-સી નહીં) હેઠળ મળતી છૂટની મર્યાદા વધારી આપે. કારણ કે, છેલ્લાં 8 વર્ષથી આ મર્યાદા 1.5 લાખ પર જ અટકેલી છે.

નોકરિયાતને કલમ 80C હેઠળ જેટલી છૂટ મળે છે તેટલા પૈસા તો દર વર્ષે તેમના પીએફમાંથી જ કપાઇ જ જાય છે. પછી, બાળકોના શિક્ષણનો ખર્ચ, હોમ લોન, જીવન વીમો, PPF જેવા ટેક્સ સેવિંગ વિકલ્પોનો તો કોઈ અર્થ રહેતો નથી. આ વિકલ્પો હેઠળ ટેક્સની છૂટ મળવા છતાં તેમને ફાયદો થતો નથી. એટલે જે, નોકરિયાત લોકો મુંઝાયા કરે છે.

વર્તમાન જોગવાઈ

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, વિવિધ વિકલ્પોમાં કુલ દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ અને ખર્ચ પર કર મુક્તિનો લાભ મળે છે. આ વિકલ્પોમાં પીએફ, બે બાળકોની ટ્યુશન ફી, જીવન વીમાના હપ્તા, પીએફ, હોમલોનની મુદલનો સમાવેશ થાય છે.
જો વિવિધ પ્રકારનાં રોકાણ અને ખર્ચને એક સાથે ગણતરીમાં લઈએ તો દોઢ લાખ રૂપિયાની છૂટ ખુબ જ ટૂંકી પડે છે. રવિ જેવા અનેક લોકો માટે 1.5 લાખ રૂપિયાની છૂટ બહુ નાની છે. રવિ જેવા અનેક લોકો આ છૂટ કરતાં વધારે રોકાણ કરતા ખચકાય છે, પરિણામે, લોકોની બચત પર અસર પડે છે.

કોવિડથી સરકારે પણ પાઠ ભણવો જોઈએ

રવિ પ્રકાશને જ્યારે બીજી લહેરમાં કોરોના થયો ત્યારે તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. રવિના પિતા પણ ઘણા વર્ષોથી બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમની સારવાર પાછળ દર મહિને ખાસ્સો ખર્ચ થાય છે. આવકવેરા કાયદાની કલમ 80 D હેઠળ, રવિ પોતાના અને પરિવારના આરોગ્ય વીમાના પ્રીમિયમ પર વર્ષે 25 હજાર રૂપિયાની કર મુક્તિનો લાભ મેળવે છે.

માતા-પિતા બંને સીનિયર સીટિઝન છે, એટલે તેમના આરોગ્ય વીમાના હપ્તા પર વાર્ષિક 50 હજાર રૂપિયા સુધીના પ્રીમિયમ પર કરમુક્તિનો લાભ મળે છે. રવિ કહે છે કે, હેલ્થ ઇન્શ્યૉરન્સનો લાભ તો, હોસ્પિટલમાં દાખલ થઈએ ત્યારે જ મળે છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં ઓપીડીનો ખર્ચ તેમજ દવાનો ખર્ચ જ કમાણીનો મોટો હિસ્સો ખાઈ જાય છે.

કોરોના કાળમાંથી માંડ-માંડ બચીને બહાર આવેલા રવિ હવે પોતાના પરિવારનું આરોગ્ય અને આર્થિક સલામતી વધારવા માંગે છે. તેના માટે તે એક કરોડ રૂપિયાનો ટર્મ વીમો લેવાનું વિચારી રહ્યાં છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ તેનું પ્રીમિયમ 30 ટકા સુધી વધી ગયું છે. ઓછામાં પૂરુૂં, કંપનીઓ પણ વિવિધ પ્રકારની તપાસ કરે છે… આવી જ સ્થિતિ, હેલ્થ ઇન્શ્યૉરન્ટમાં પણ છે. ગયા વર્ષની સરખામણીએ હેલ્થ ઈન્શ્યૉરન્સ કંપનીઓ 40 ટકા વધારે પ્રીમિયમ માંગી રહી છે.
બસ, આટલી છે અપેક્ષા !

રવિ પ્રકાશ કહે છે કે, કોરોનાની મહામારીએ લોકોને બચતનું મહત્વ ખુબ સારી રીતે શીખવી દીધું છે. જો તેની પાસે જૂની બચત ના હોત તો, તેઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી જ ન શક્યા હોત. આથી, સરકારે આ વખતના બજેટમાં બચતને પ્રોત્સાહન આપવું જોઈએ.

તેના માટે કલમ 80 C હેઠળ, રોકાણની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવી જોઈએ. આ, માગ પાછળ રવિનો તર્ક પણ વાજબી છે. આ છૂટમાં છેલ્લાં 8 વર્ષથી કોઇ વધારો નથી કરાયો. વર્ષ 2014માં તે વખતના નાણામંત્રી અરુણ જેટલીએ 80સી હેઠળ કર-મુક્તિની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી હતી. છેલ્લાં આઠ વર્ષથી આ મર્યાદા વધી નથી. મોંઘવારીના દરને જોતાં આ છૂટમાં વધારો કરવો જરૂરી છે.

રવિ ઈચ્છે છે કે, કલમ 80ડી હેઠળ, આરોગ્ય વીમાના પ્રીમિયમ પર મળતો કર-મુક્તિનો લાભ, સરકારે વધારીને 1 લાખ રૂપિયા કરવો જોઈએ. આવી જ રાહત માતા-પિતાના આરોગ્ય વીમાના પ્રીમિયમના ખર્ચ માટે પણ આપવી જોઈએ. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતાં, આ કોઈ મોટી રકમ નથી. બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 8-10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડ્યો હતો.

સરકારે વર્ષ 2010ના બજેટમાં ઈન્ફ્રા બૉન્ડમાં 20,000 રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં વધુ છૂટની જોગવાઈ કરી હતી. આ સુવિધા માત્ર વર્ષ 2011-12 માટે આપવામાં આવી હતી. રવિ ઈચ્છે છે કે, સરકારે આ વખતના બજેટમાં ઈન્ફ્રા બૉન્ડમાં રોકાણ પર કર-મુક્તિનો લાભ ફરી આપવો જોઈએ. આમાં રોકાણની મર્યાદા 50 હજાર રૂપિયા સુધી કરવામાં આવે તો, તેનાથી બચતને પ્રોત્સાહન મળશે, અને સરકારને પણ રોજગાર તેમજ અર્થતંત્રને વેગ આપવામાં મદદ મળશે.

હવે જોવાનું એ છે કે, સરકાર બજેટમાં રવિ પ્રકાશ જેવા લોકોનું કેટલું ધ્યાન રાખે છે.

આ પણ વાંચોઃ Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

આ પણ વાંચોઃ Budget 2022 : નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા, જાણો કેમ ભરાયું આ પગલું

Published on: Jan 29, 2022 11:31 AM