દેવાધિદેવ મહાદેવને (Mahadev) ભક્તો ભોળાનાથના (bholenath) નામે સંબોધે છે. ભોળાનાથ અર્થાત્ અત્યંત ઝડપથી પ્રસન્ન થનારા દેવતા. એવાં દેવતા કે જે તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર ભક્તો જ્યારે-જ્યારે આસ્થાથી મહેશ્વરનું સ્મરણ કરે છે, ત્યારે-ત્યારે શિવજી તેની મદદે, રક્ષાર્થે દોડી આવે છે. એટલું જ નહીં, કામનાપૂર્તિના આશિષ પણ પ્રદાન કરે છે.
શિવજી ઝડપથી પ્રસન્ન થતા દેવ છે. પરંતુ, અમારે આજે કેટલાંક એવાં ઉપચારની, વિધિની વાત કરવી છે કે જેનાથી મહેશ્વર અચૂક રીઝતા હોવાની માન્યતા છે. આ એવાં પ્રયોગો છે કે જે કરીને ભક્ત પંચ પ્રકારના આશિષની પ્રાપ્તિ પણ કરી શકે છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
આજના સમયમાં માતા-પિતાને સૌથી વધુ પરેશાન કરતી જો કોઈ બાબત હોય તો તે છે બાળકોનું શિક્ષણ. મોબાઈલના યુગમાં બાળકો ભણતર પ્રત્યે સતત બેધ્યાન થઈ રહ્યા છે. ત્યારે તેમની એકાગ્રતા વધે અને અભ્યાસમાં તેમનું મન લાગે તે માટે શિવાભિષેક મદદરૂપ બની શકે છે. એક તાંબાના કળશમાં કાચુ દૂધ લઈ તેમાં થોડી ખાંડ ઉમેરો. ત્યારબાદ “ૐ નમઃ શિવાય” બોલતા શિવલિંગ પર તેનો અભિષેક કરો. જો બની શકે તો સંતાનો પાસે જ આ અભિષેક વિધિ કરાવો. માન્યતા અનુસાર આ પ્રયોગથી મહેશ્વરની સાથે માતા સરસ્વતીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને જે-તે વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
ધન પ્રાપ્તિની મનશા જીવનમાં ભલાં કોને નથી હોતી ! અને મહાદેવ તો સ્વયં ધનપતિ કુબેરના મિત્ર છે. શિવજી ભલે વૈરાગી હોય, પરંતુ, તેમની શરણે આવનારને તે ક્યારેય દુઃખમાં નથી રાખતા. જો તમે પણ ભોળાનાથને પ્રસન્ન કરી સંપત્તિ પ્રાપ્તિની મનશા રાખતા હોવ, તો તે માટે શિવલિંગ પર ચોખા અર્પણ કરવા જોઈએ. ચોખાનું સંસ્કૃત નામ છે અક્ષત. અને આ ‘અક્ષત’થી મહાદેવ તેમના ભક્તોને ‘અક્ષય’ આશિષ પ્રદાન કરે છે. ધન પ્રાપ્તિના આશીર્વાદ દે છે. અલબત્, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મહેશ્વરને અર્પણ કરાતા ચોખામાંથી એકપણ ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ.
જો તમારી પાસે કોઈ વાહન નથી અને તમે કાર ખરીદવાની ઈચ્છા રાખી રહ્યા હોવ, તો તમારે નિત્ય શિવલિંગ પર ચમેલીનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. શક્ય હોય તો આ ફૂલ અર્પણ વિધિની શરૂઆત સોમવારના દિવસથી જ કરવી. અને તે સાથે જ નિત્ય “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વખત જાપ કરવો. માન્યતા અનુસાર નિત્ય આ પ્રયોગ કરવાથી એવાં સંજોગોનું નિર્માણ થાય છે કે વ્યક્તિ તેના મનપસંદ વાહનની ખરીદી કરી શકે !
જો તમે સતત બીમારીઓથી પરેશાન રહેતા હોવ, તેમજ અનેક દવાઓ લીધાં બાદ પણ આરામ ન વર્તાતો હોય તો પાણીમાં થોડું દૂધ તેમજ કાળા તલ મિશ્રિત કરો. અને ત્યારબાદ તેને શિવલિંગ પર અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી રાહતની પ્રાપ્તિ થાય છે. તેને બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્યનું સુખ પ્રાપ્ત થાય છે.
જો લગ્ન આડે વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય અથવા તો વૈવાહિક જીવનમાં જો અણબનાવ ચાલી રહ્યા હોય તો શિવાભિષેકનું શરણું લો. માન્યતા અનુસાર શિવજીને કેસર મિક્ષિત જળ અર્પણ કરવાથી વિવાહ સંબંધી તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જતું હોય છે. ગૃહસ્થ જીવનમાં જો મુશ્કેલીઓ વર્તાઈ રહી હોય, તો તેમાંથી પણ રાહત મળી જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર પછતાવાનો આવશે વારો !
આ પણ વાંચોઃ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો