
અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ મહત્વ જણાવ્યું છે. આ મહિના દરમ્યાન કેટલાક કાર્યો એવા છે જે કરવાથી આપને પુણ્યની પ્રાપ્તિ થશે. આ વખતે 19 વર્ષ પછી શ્રાવણ મહિનામાં અધિક માસ આવ્યો છે. આ મહિનામાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ મહિના દરમ્યાન આપે ધર્મગ્રંથનું પઠન અને દાન પુણ્ય જેવા કાર્યો કરી શકો છો. આ મહિના દરમ્યાન કેટલાક એવા કાર્યો છે જે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કેટલાક કાર્યો એવા છે જે વર્જિત ગણાય છે.
અધિક માસમાં શાલીગ્રામ ભગવાનની ઉપાસના કરવાથી આપને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. એટલે નિત્ય આપે શાલીગ્રામજી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી જાતકને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ જીવનના તમામ અવરોધોથી મુક્તિ મળી જાય છે.
અધિક માસમાં શ્રીમદ્ભગવદ્ ગીતાના 14માં અધ્યાયનું નિયમિત રીતે પઠન કરવું જોઇએ. માન્યતા તો એવી છે કે તેનાથી કાર્યક્ષેત્રમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે.
અધિકમાસમાં શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે અધિકમાસમાં દરેક પ્રકારના શુભ કાર્યો કરવાનું ટાળવામાં આવે છે. પરંતુ ભગવાન સત્યનારાયણની પૂજા કરવી સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અધિકમાસમાં વિષ્ણુજીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં ધન, વૈભવની સાથે સુખ-સમૃદ્ધિ આવે છે.
અધિકમાસ દરમ્યાન ગ્રહદોષની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે આપ આ મહિના દરમ્યાન કોઇ જાણકાર બ્રાહ્મણ પાસે સંકલ્પ લઇને મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવી શકો છો. આ ઉપાય કરવાથી આપના ઘરમાં દરેક પ્રકારના ગ્રહ દોષ સમાપ્ત થાય છે અને આપના ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહે છે.
જો આપની કેટલાય સમયથી ઇચ્છા હોય કે કોઇ યજ્ઞ કે અનુષ્ઠાન કરાવવું છે તો અધિકમાસ આ કાર્ય માટે ખૂબ જ શુભ સમય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અધિકમાસમાં કરવામાં આવતા યજ્ઞ અને અનુષ્ઠાન પૂર્ણ રીતે ફળદાયી બને છે અને ભગવાન પોતાના ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
પુરાણોમાં જણાવ્યા અનુસાર અધિકમાસમાં ભગવાન વિષ્ણુ અને તેમના દરેક અવતારોની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અધિકમાસમાં લોકો વ્રજની યાત્રાએ જવાનું પસંદ કરે છે.
અધિકમાસ દરમ્યાન જરૂરિયાતમંદ લોકોને અનાજ, ધન, ચંપલ, વસ્ત્રનું દાન કરવું જોઇએ. અત્યારે વરસાદના સમયે તમે છત્રીનું દાન પણ કરી શકો છો. કોઇ મંદિરમાં શિવજી સાથે જોડાયેલ વસ્તુઓ જેમ કે ચંદન, અબીલ, ગુલાલ, હારમાળા, પુષ્પ, બિલીપત્ર, દૂધ, દહીં, ઘી, જનોઇનું દાન પણ કરી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)