હિન્દુ પંચાંગ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત દર વર્ષે જેઠ મહિનાની સુદ એકાદશીએ રાખવામાં આવે છે. તેને ભીમસેન એકાદશી, પાંડવ એકાદશી અને ભીમ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના તમામ વ્રતમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી આકરું માનવામાં આવે છે. કારણ કે, આ વ્રતને નિર્જળા કરવાનો જ મહિમા છે. આ વ્રતમાં જળનું એક ટીપું પણ ગ્રહણ નથી કરવામાં આવતું. વ્રત પૂર્ણ થયા પછી જ જળ ગ્રહણ કરવામાં આવે છે. તો સાથે જ આ વ્રત આર્થિક લાભની પ્રાપ્તિ કરાવનારું પણ મનાય છે.
માન્યતા અનુસાર જે પણ જાતક નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને વર્ષ દરમ્યાન આવેલ દરેક એકાદશીના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વ્રત એકાદશીની તિથિે રાખવામાં આવે છે અને બીજા દિવસે બારસના દિવસે તેના પારણાં કરવામાં આવે છે. તો, આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિને આર્થિક લાભની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે. આવો, કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.
⦁ નિર્જળા એકાદશીના દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે પણ જાતક આ રીતે સ્નાન કરે છે તેને સમસ્ત પાપમાંથી મુક્તિ મળે છે.
⦁ એક માન્યતા અનુસાર નિર્જળા એકાદશીના અવસરે ભગવાન વિષ્ણુના મંદિરમાં એક શ્રીફળ અને થોડી બદામ અર્પણ કરવી જોઈએ. કહે છે કે આ ઉપાયથી વ્યક્તિને આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. તેમજ તેના કાર્યો આડેના તમામ અવરોધો પણ દૂર થઈ જાય છે.
⦁ નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના પુષ્પ ખાસ અર્પણ કરવા જોઇએ. કહે છે કે તેનાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
⦁ જો આપના ઘરમાં સતત કલેશ વર્તાતો હોય તો નિર્જળા એકાદશી પર એક ખાસ ઉપાય અજમાવો. આ દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરવો. તે સમયે તેમાં તુલસીના પાન ખાસ ઉમેરવા. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના ઘરમાં શાંતિ જળવાયેલી રહેશે.
⦁ આ દિવસે પૂજનમાં શ્રીહરિને પીળા રંગના ફળ, વસ્ત્ર અને અનાજ જરૂરથી અર્પણ કરવા. અને ત્યારબાદ તે દરેક વસ્તુઓનું ગરીબોને દાન કરી દેવું.
⦁ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ત્યારે નિર્જળા એકાદશી પર આપે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
⦁ નિર્જળા એકાદશીની રાત્રે વિષ્ણુજીની સમક્ષ નવ વાટનો દીવો પ્રજવલિત કરવો અને એક દીવો એવો પ્રજવલિત કરવો કે જે આખી રાત સુધી ચાલું રહે. તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. અને ઘરમાં તે સ્થિર થાય છે.
⦁ આ એકાદશી પર સાત પીળી કોડીઓ લો અને સાત હળદરની આખી ગાંઠ લઇને તેને પીળા રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. અને ઘરમાં ધન, ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રહે છે.
⦁ નિર્જળા એકાદશી પર મંદિરમાં પાણી ભરેલ જળપાત્ર, માટલું વગેરેનું દાન કરવું જોઇએ. પોતાના ઘરની છત પર પણ પક્ષીઓ માટે જળ ભરેલું પાત્ર રાખવું જોઇએ.
⦁ નિર્જળા એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો. અને “ૐ વાસુદેવાય નમઃ” મંત્ર બોલતા તુલસીજીની 11 પરિક્રમા કરવી. આ ઉપાય અજમાવવાથી આપના ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. અને આપના ઘર પર આવનારા તમામ સંકટો દૂર થઈ જશે.
⦁ આ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો. તેમજ શ્રીમદ્ભગવદગીતાની કથાનો પાઠ કરવો જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
⦁ નિર્જળા એકાદશી પર દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપને ધનલાભની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)