શ્રીકૃષ્ણ (SHREE KRISHN) એ આખાય જગતનો આધાર છે. વિશ્વના પાલનહાર છે શ્રીકૃષ્ણ. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણના નામના જાપ માત્રથી પ્રભુની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું અષ્ટાક્ષર મંત્ર ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ ના જાપનો મહિમા. કહેવાય છે કે જેમને મેળવવા અત્યંત દુર્લભ છે, જેમના સાનિધ્યને મેળવવું ખુબ અઘરું છે તેવા અલભ્ય આશિષને પ્રાપ્ત કરાવનાર છે અષ્ટાક્ષર મંત્ર.
‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ મને આપના શરણે લો, મારું સર્વસ્વ શ્રીકૃષ્ણ જ છે અને મને આશ્રય શ્રીકૃષ્ણનો છે, મારું તન, મન, ધન બધું જ શ્રીકૃષ્ણને સમર્પિત છે.
અષ્ટાક્ષર મંત્રના જાપના માહાત્મ્ય પહેલાં સમજી લઈએ ‘કૃષ્ણ’ શબ્દનો અર્થ. ‘કૃષ્ણ’ શબ્દનો શાસ્ત્રોમાં અર્થ બતાવાયો છે જે મુજબ, ‘કૃષ્’ એટલે આકર્ષવું અને ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે છે શ્રીકૃષ્ણ.
દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં ‘શ્રી’ અક્ષર બીજમંત્ર છે.
અષ્ટાક્ષર મંત્રના જાપનો મહિમા:
1. કહેવાય છે કે માત્ર ‘શ્રી’નું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. અલબત અહીં વાત શ્રીકૃષ્ણ રૂપી અવિનાશી ધનની વાત થાય છે. શ્રીકૃષ્ણ રૂપી ધન જ તેના ભક્તોના હૃદયમાં બિરાજે છે, જે મંત્રનો જાપ મનુષ્યને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.
2. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રહેતો નથી. જીવનમાં રહેલા ભય દૂર થાય છે.
3. જાપ કરનાર વ્યક્તિને કોઈ સંકટ આવતું નથી, આવેલા સંકટ દૂર થાય છે.
4. અષ્ટાક્ષર મત્રના જાપ માત્રથી વ્યક્તિ પર મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. જીવનમાં સકારાત્મકતા આવે છે.
5. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે.
5. આ મંત્રના ઉચ્ચારણથી શ્રીકૃષ્ણ પ્રભુ સાથેનું આપણું સાનિધ્ય વધુ મજબૂત બને છે. પ્રભુ શ્રીકૃષ્ણની શરણમાં સ્થાન મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા
આ પણ વાંચો : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો