શ્રદ્ધા શબ્દમાંથી શ્રાદ્ધ(Shradh) શબ્દનું નિર્માણ થયું છે. શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ. એવું કહેવાય છે કે શ્રાદ્ધથી શ્રદ્ધા જીવીત રહે છે. શ્રાદ્ધ એટલે પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન કરવાનો અવસર. પિતૃઓની તૃપ્તિ અર્થે તેમને જલ અર્પણ કરવાથી લઈને પીંડદાન સુધીની આપણે વિધિ કરતાં હોઈએ છીએ. સાથે જ શ્રાદ્ધ પર નજીકના સગા સંબંધીઓને ભોજન કરાવવાથી લઈ ખાસ તો બ્રાહ્મણને ભોજન માટે બોલાવતા હોય છે. દાન કર્મ પણ કરતાં હોઈએ છીએ. ત્યારે આવો આજે જાણીએ શ્રાદ્ધ સંબંધી જરૂરી 10 વાતો.
જાણો શ્રાદ્ધમાં શું કરશો અને શું નહીં.
1. પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પોતાના ઘરે જ કરવું જોઈએ. કોઈ બીજાની ભૂમિ પર કરેલું શ્રાદ્ધ ક્યારેય સફળ ન ગણાતું હોવાની માન્યતા છે.
2. કાળા તલ, કુશા, દુધ, મધ અને ગંગાજળ આ પાંચ દ્રવ્યો શ્રાદ્ધમાં હોવા અનિવાર્ય છે.
3. ચણા, મસુર, અડદ, દુધી, મૂળા કે કાકડી જેવા દ્રવ્યોનો શ્રાદ્ધમાં ઉપયોગ વર્જિત મનાય છે.
4. શ્રાદ્ધનું ભોજન કેળાના પાન પર ક્યારેય ન ગ્રહણ કરવું જોઈએ. સોનું, ચાંદી, કાંસુ કે તાંબાનુ પાત્ર જો ભોજન માટે લેવામાં આવે તો તે ઉત્તમ મનાય છે.
5. શ્રાદ્ધ કર્મમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એવું કહેવાય છે કે તુલસી થી પિતૃઓ પ્રસન્ન થાય છે. જો તુલસીથી પીંડની પૂજા કરવામાં આવે તો તેનાથી પિતૃઓ ને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની પણ વાયકા છે.
6. શ્રાદ્ધના ભોજનમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે.
7. કહેવાય છે કે શ્રાદ્ધનું તૈયાર ભોજન સૌથી પહેલા કાગડા, કુતરા, કીડી, ગાય અને દેવતાઓ માટે કાઢવું. તેમને અર્પણ કર્યા બાદ જ ભોજન વ્યક્તિઓને અર્પણ કરી શકો છો.
8. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. બ્રાહ્મણના ભોજન બાદ જ તમામ પરિજનોને ભોજન કરાવવું. સાથે જ શ્રાદ્ધના દિવસે જો કોઈ ભિક્ષુક નજરે ચઢે છે તો તેને પણ અવશ્ય આદર પૂર્વક ભોજન કરાવવું જોઈએ. કોઈ પણ ભિખારીને ખાલી હાથે શ્રાદ્ધ પર પાછો ન મોકલવો જોઈએ.
9. શ્રાદ્ધ પર જ્યારે બ્રાહ્મણને ભોજન કરાવી લો છો ત્યારે તેમને ઘરના દ્વાર સુધી અવશ્ય વળાવવા જવા. એવું માનવામાં આવે છે કે તેમની સાથે પિતૃઓ ચાલતાં હોય છે એટલે આદર પૂર્વક વળાવવા.
10. શ્રાદ્ધ પર દાન કર્મ અવશ્ય કરવું જોઈએ.
આ પણ વાંચો : કેમ કરવું જોઈએ શ્રાદ્ધ ? પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ કામ !
આ પણ વાંચો : મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવાનું મહત્વ શું છે ? તેના વિશે જાણો