શ્રાદ્ધ(shraddh) પક્ષ અત્યારે ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી રહ્યા છે, પીંડદાન કરી રહ્યા છે, બ્રાહ્મણને ભોજન કરાવી રહ્યા છે અને જરૂરિયાતમંદને દાન કરી રહ્યા છે. શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તર્પણ વિધિ કે પીંડદાન એટલે કે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના જીવનમાં જો કોઈ પિતૃ દોષ લાગ્યો છે તો પણ તેનું નિવારણ શ્રાદ્ધ કર્મ થી થઈ જતું હોવાની માન્યતા છે.
પણ શ્રાદ્ધ કર્મ કાગ ભોજન વગર તો અધુરૂ મનાય છે. પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે શઅરાદ્ધ પર કાગડાને ભોજન કરાવવું એટલે તો જાણે પિતૃઓને જમાડવા ! ત્યારે સવાલ તો એ છે કે કેમ આપણા શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનો મહિમા છે ?
આપણે ત્યાં એવી માન્યતા છે કે કાગડો જો ઘરની છત પર આવી ને બોલે છે તો તેનો અર્થ એવો થાય છે કે કોઈ મહેમાન આવે છે. વળી કોઈ એવું પણ કહે છે કે કાગડાનું બોલવું એટલે શુભ અને અશુભ બંન્ને માટે વ્યક્તિને સાવધાન કરવું. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ માં જો કાગડો વ્યક્તિ દ્વારા અપાયેલું ભોજન ગ્રહણ કરે છે તો તેનો અર્થ એ થાય છે કે પિતૃઓ દ્વારા તેને ગ્રહણ કરવામાં આવ્યું, પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને વ્યક્તિ પર પિતૃઓની કૃપા વરસી. કાગડાને અતૃપ્તાતાનું પ્રતિક માનવામાં આવે છે. અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.
શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલા વરદાનની એક લોકકથા ખુબ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આ વરદાન થી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ. કથા કઈંક એવી છે કે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ પર હતાં ત્યારે ઈંદ્ર પુત્ર જયંતએ કાગડાનું રૂપ ધરી માતા સીતાના પગમાં તેની ચાંચ મારી હતી. તે વખતે શ્રીરામે બાણથી કાગડાનું રૂપ ધારણ કરી આવેલા જયંતની આંખ ફોડી દીધી. જો કે ત્યારબાદ જયંતની માફી પર શ્રીરામે તેમને માફ કરી વરદાન આપ્યું કે કાગડાને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે. કહે છે કે બસ ત્યારથી જ શ્રાદ્ધ પર પિતૃઓને તૃપ્ત કરવા કાગડાને ભોજન કરાવવાની પરંપરા શરૂ થઈ.
આ પણ વાંચો: ક્યાંક તમે તો નથી કરતાં ને શ્રાદ્ધમાં આ ભૂલ ? જાણીલો શ્રાદ્ધ સંબંધી આ 10 વાતો
આ પણ વાંચો: Shradh Paksh 2021: કેમ કરવું જોઈએ શ્રાદ્ધ ? પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ કામ !