મા અન્નપૂર્ણા (goddess annapurna) એટલે તો અન્નની અધિષ્ઠાત્રી અને ખુશીઓની દાત્રી. પવિત્ર માગશર માસમાં તો મા અન્નપૂર્ણાના અનુષ્ઠાન, વ્રત અને પૂજનનો સવિશેષ મહિમા છે જ. પણ, તે સિવાય પણ શુભ દિવસોમાં મા અન્નપૂર્ણાની વિધિસર પૂજા અર્ચના કરવામાં આવે તો દેવી ભક્તો પર વાત્સલ્યની વૃષ્ટિ કરી દે છે. એ મા અન્નપૂર્ણા જ છે કે જે સમસ્ત જગતનું ભરણપોષણ કરે છે. કહે છે કે સમગ્ર સૃષ્ટિને અન્ન અને વસ્ત્ર મા અન્નપૂર્ણા જ પ્રદાન કરે છે ! અને એટલે જ તો ભક્તોને મન મા અન્નપૂર્ણાની આરાધનાનો સવિશેષ મહિમા છે.
દેવી અન્નપૂર્ણા તો ભક્તોને દરિદ્રતાથી મુક્તિ અપાવનારા છે. કહે છે કે શિવજી સમગ્ર સૃષ્ટિનું પોતાના પરિવારની જેમ જ નિયંત્રણ કરે છે. પણ, સ્વયં તેમના પરિવારની ગૃહસ્થીને સુખરૂપ તો મા અન્નપૂર્ણા જ ચલાવે છે. મા અન્નપૂર્ણાની ઉપાસનાથી ભક્તને સમૃદ્ધિ, સંપન્નતા અને સંતોષની પ્રાપ્તિ થાય છે. એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મા અન્નપૂર્ણાની ઉપાસના કરે છે. પરંતુ, જેટલું મહત્વ મા અન્નપૂર્ણાની ઉપાસનાનું છે, તેનાથી પણ વધારે મહત્વ એ વાતનું છે કે મા અન્નપૂર્ણાની ઉપાસના વખતે શું ન કરવું !
મા અન્નપૂર્ણાની ઉપાસના વખતે કેટલીક વિશેષ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કહે છે કે આ નાની-નાની બાબતો પ્રત્યે બેધ્યાન રહેવામાં આવે તો મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. અને ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
શું રાખશો ધ્યાન ?
⦁ મા અન્નપૂર્ણાની પૂજા વહેલી સવારે બ્રહ્મમૂહુર્તમાં અથવા સંધ્યા સમયે જ કરવી જોઈએ. તે જ વિશેષ ફળદાયી બનશે.
⦁ શક્ય હોય ત્યાં સુધી પૂજા સમયે લાલ, પીળા અને સફેદ વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ.
⦁ ભગવતી અન્નપૂર્ણાને ક્યારેય ભૂલથી પણ દૂર્વા ન અર્પણ કરવી જોઈએ.
⦁ મા અન્નપૂર્ણાના મંત્રજાપ માટે ક્યારેય પણ તુલસીની માળાનો ઉપયોગ ન કરવો જોઈએ.
⦁ જેટલું મહત્વ મા અન્નપૂર્ણાની પૂજાનું છે, તેટલું જ મહત્વ ઘરમાં શાંતિ જળવાય તે બાબતનું પણ છે. એટલે ઘરમાં કકળાટ-કંકાસ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
⦁ કહે છે કે ઘરમાં રહેતી દરેક મહિલા સભ્યનું સન્માન કરવું જોઈએ. ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ. નહીંતર મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : પાડોશીને આપેલી એક ભેટ, તમારા જીવનમાં લાવશે સુખ,શાંતિ અને સમૃદ્ધિના આશિષ