વ્યક્તિની કુંડળીમાં (kundali) સૂર્યનું (surya) સ્થાન ખૂબ જ મહત્વનું મનાય છે. કારણ કે સૂર્યદેવતા પ્રગતિની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય છે, તેને નોકરી-ધંધામાં સફળતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ, તેનાથી વિપરીત જેમનો સૂર્ય નબળો હોય છે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે!
જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય દોષ (surya dosha) હોય તેમને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. ઘણીવાર એવું બને કે ખૂબ જ મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા જ ન મળે તો તેના માટે કુંડળીમાં રહેલો સૂર્યદોષ જવાબદાર હોઈ શકે છે. એટલું જ નહીં, આવી વ્યક્તિને અનેક રોગોનો પણ સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ કે કુંડળીમાં રહેલાં સૂર્ય સંબંધી દોષોને દૂર કરવા શું કરવું જોઈએ?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દોષના નિવારણ અર્થે અનેક ઉપાયોનું વર્ણન મળે છે. જેમાં સૂર્ય વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત રવિવારના રોજ કરવાનું રહે છે. કારણ કે રવિવાર એ સૂર્ય દેવતાનો વાર મનાય છે. કહે છે કે જેમનો સૂર્ય ખૂબ જ નબળો હોય તેમણે ઓછામાં ઓછા 12 રવિવાર સુધી આ વ્રત કરવું જોઈએ. વ્યક્તિને ઈચ્છા હોય તો તે વ્રત આગળ લંબાવી શકે છે. પરંતુ, ઓછામાં ઓછા 12 રવિવાર સુધી વ્રત કરવાનો સંકલ્પ તો લેવો જ જોઈએ અને તેને આસ્થાથી પૂર્ણ પણ કરવો જોઈએ.
⦁ રવિવારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરો.
⦁ તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ચંદન, લાલ ફૂલ, ચોખા તેમજ દૂર્વા નાંખો.
⦁ “ૐ સૂર્યાય નમઃ ।” બોલતા આ જળ સૂર્યદેવતાને અર્પણ કરો. કહે છે કે આમ કરવાથી કુંડળીમાં ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.
⦁ ત્યારબાદ એક આસન પર બિરાજમાન થઈ “ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ ।” મંત્રની 3, 5 અથવા તો 12 માળા કરો.
⦁ શક્ય હોય ત્યાં સુધી આ દિવસે ઉપવાસ કરવો. ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરવું. પરંતુ, મીઠાનું (નમકનું) સેવન ન કરવું.
⦁ જેમનો સૂર્ય ખૂબ જ કમજોર છે તેમણે રવિવારના રોજ લાલ અથવા પીળા રંગના વસ્ત્રનું જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આ સિવાય ગોળ, ઘઉં, લાલ કમળ, મસૂરની દાળ, ગાય તેમજ તાંબાનું દાન પણ ફળદાયી મનાય છે.
⦁ રવિવારે ગાયની સેવા કરો. તેને રોટલી ખવડાવો. લોટની ગોળી બનાવી માછલીઓને નાંખો, કીડીઓને કીડીયારું પૂરું.
⦁ સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ ફળદાયી બની રહે છે તો ગાયત્રીમંત્રના જાપથી પણ સૂર્ય દોષ હળવા થઈ જાય છે.
⦁ સૂર્ય ગ્રહને મજબૂત કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તમે નિત્ય જ માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. તેમની સંભાળ રાખો અને તેમની આજ્ઞાનું પાલન કરો. માન્યતા અનુસાર જે સંતાનો તેમના માતા-પિતાનો ક્યારેય અનાદર નથી કરતા, તેમના પર સૂર્યદેવની વિશેષ કૃપા ઉતરે છે.
⦁ માન્યતા અનુસાર રવિવારનું વ્રત કરવાથી સૂર્યદેવતા ભક્તને શુભ ફળ પ્રદાન કરે છે.
⦁ આ વ્રતથી વ્યક્તિની શારીરિક પીડા દૂર થાય છે અને સ્વસ્થ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
⦁ એવું કહે છે કે આ વ્રત કરનારના મુખ પર તેજ પ્રગટ થાય છે. તે સ્વયં સકારાત્મક્તાની અનુભૂતિ કરે છે અને તે જ્યાં જાય છે ત્યાં પણ લોકોને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?