માતા લક્ષ્મી (lakshmi) એ તો ધન પ્રદાન કરનારા દેવી મનાય છે. મા લક્ષ્મીની કૃપા હોય તો જ વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની (money) પ્રાપ્તિ થાય છે. અને એટલે જ આજના સમયમાં દરેક વ્યક્તિને મા લક્ષ્મીજીની કૃપા જોઇતી હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા, પાઠ, વ્રત, મંત્રજાપ વગેરે કરતાં હોય છે. પરંતુ, સાથે જ કેટલાક ખાસ દિવસો પણ હોય છે કે જે દિવસોમાં માતાજીની પૂજા-અર્ચનાથી તેમની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. તેમજ જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે.
હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓનો ચોક્કસ દિવસ નક્કી જ હોય છે કે આ દિવસે આ દેવી કે દેવતાની ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. ત્યારે શુક્રવારના દિવસે પૂજા પાઠ કરતા સમયે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય. શુક્રવારના દિવસે તેમજ પૂનમના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી ભક્તને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
એક માન્યતા અનુસાર શુક્રવારના રોજ માતાજીને તેમના પ્રિય ભોગ કે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. તો ચાલો, આપને જણાવીએ કે કયો પ્રસાદ કે ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થઇને તમારા પર વિશેષ કૃપા વરસાવશે ?
ખીર
એવી માન્યતા છે કે માતા લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ તેમજ દૂધમાંથી બનેલી વાનગીઓ ખૂબ જ પસંદ છે. એટલે માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે દૂધ અને ચોખાથી બનેલી ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. પછી આ પ્રસાદ ઘરના દરેક સભ્યો તેમજ કુંવારિકાઓમાં વહેંચી દેવો. માન્યતા એવી છે કે આ પ્રસાદ અર્પણ કરવાથી માતા ઝડપથી તેમના ભક્ત પર પ્રસન્ન થાય છે.
સાકર
માતા લક્ષ્મીજીને સાકર પણ ખૂબ પ્રિય છે. માતાને સાકરનો પ્રસાદ અર્પણ કર્યા પછી કુંવારિકાઓને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઇએ. શાસ્ત્રોમાં કુંવારિકાઓને માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે.
મખાના
માતા લક્ષ્મીને મખાનાનો ભોગ લગાવવો જોઇએ. મખાના કમળના પુષ્પના બીજમાંથી જ બને છે. એટલે તેને ફૂલ મખાના પણ કહેવાય છે. માતા લક્ષ્મીને મખાનાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઇએ. અને મખાનામાંથી મીઠી વાનગી બનાવીને પણ અર્પણ કરી શકાય. કારણ કે તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થાય છે.
પતાશા
આપને આગળ જણાવ્યું તેમ દેવી લક્ષ્મીને શ્વેત રંગ અત્યંત પ્રિય છે. એટલે માતા લક્ષ્મીને ભોગમાં પતાશા અર્પણ કરવા જોઇએ. એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીને પતાશા અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો
આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે
Published On - 6:28 am, Fri, 31 December 21