નવરાત્રી દરમ્યાન કન્યાપૂજન (kanya pujan) કરવાનું ખૂબ મહત્વ છે. મોટાભાગે શ્રદ્ધાળુઓ નવરાત્રીની આઠમ અને નોમના અવસરે આ વિધિ કરતા હોય છે. એવું કહેવાય છે કે કુંવારી કન્યાઓને શુભ મુહૂર્તમાં બોલાવીને ભોજન કરાવીને દક્ષિણા આપવાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. તમે પણ માતાની કૃપા અર્થે કન્યા પૂજન કરતા જ હશો. પણ આ કન્યાઓને તમે ભેટમાં શું આપો છો? ચાલો, આજે એ વિશે વાત કરીએ, કે એવી કઇ વસ્તુઓ છે કે જે દક્ષિણામાં આપવાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થશે.
નવરાત્રીને શક્તિની પૂજાનો પર્વ માનવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન મા દુર્ગાના નવ રૂપોની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આની સાથે જ નવરાત્રીમાં આઠમ કે નોમના દિવસે કન્યાઓની પૂજા કરવાનું માહાત્મય દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે 10 વર્ષથી નાની ઉંમરની કન્યાઓને આમંત્રણ આપીને વિધિવત રીતે તેમને જમાડીને ભેટ કે ઉપહાર આપવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે મા દુર્ગા આ નાની નાની ક્ન્યાઓના રૂપમાં ભક્તોના ઘરે આવે છે અને તેમને સુખ-સમૃદ્ધિ, યશ-ઐશ્વર્યની સાથે ખુશીઓથી ભરેલું જીવન જીવવાના આશીર્વાદ આપે છે. ત્યારે કન્યાઓને એવી તે કેવી ભેટ કે ઉપહાર આપવો જોઈએ કે જેનાથી મા દુર્ગા જલ્દી જ પ્રસન્ન થાય છે, તે વિશે જાણીએ.
લાલ રંગના વસ્ત્ર
લાલ રંગ શુભતાનું પ્રતિક મનાય છે. તેની સાથે જ મા દુર્ગાને પણ લાલ રંગ ખૂબ પ્રિય છે. એટલા માટે જ કન્યાઓને લાલ રંગના વસ્ત્ર ભેટ આપવા શુભ માનવામાં આવે છે. તમે તમારી શ્રદ્ધા અનુસાર કન્યાઓને લાલ રંગનો દુપટ્ટો, ડ્રેસ કે ટોપ કંઇ પણ ભેટમાં આપી શકો છો.
શ્રૃંગારની વસ્તુઓ
માન્યતા છે કે નાની નાની કન્યાઓને શ્રૃંગારની વસ્તુઓ જેમ કે કાજળ, બંગડીઓ, બુટ્ટી વગેરે ભેટમાં આપી શકાય છે. આ શ્રૃંગારની વસ્તુઓ પહેલા માતાજીના ચરણોમા અર્પણ કરવી. ત્યારબાદ કન્યાઓને આપવી. આ કાર્યથી દુર્ગા માતાના આશીર્વાદ આપની ઉપર હંમેશા વરસતા રહેશે.
દક્ષિણા
કન્યાપૂજન પછી કન્યાઓને આપની યોગ્યતા અનુસાર દક્ષિણા જરૂર આપવી જોઇએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને આપના ઘરમાં ધન-ધાન્ય અખૂટ રહે તેવા આશીર્વાદ આપશે. એટલે કે તમારી યોગ્યતા અનુસાર કન્યાઓને 11, 21, 51, 101 રૂપિયાની દક્ષિણા આપવી જોઇએ.
અનાજ કે ફળ
નાની કન્યાઓને ફળ સિવાય અનાજ આપવું પણ શુભ માનવામાં આવે છે. કન્યાઓને ફળમાં કેળા, નારિયેળ આપી શકાય છે. તેનાથી મા લક્ષ્મીની સાથે સાથે વિષ્ણુ ભગવાન પણ પ્રસન્ન થશે. તેની સાથે ઘઉં, જવ, ચોખા જેવું અનાજ પણ આપી શકાય છે. આ ભેટથી મા દુર્ગાની સાથે મા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.
અક્ષત
પરંપરાઓ અનુસાર માનીએ તો જ્યારે કોઈ દીકરીની વિદાય થતી હોય કે ઘરમાં નવી વહુનું આગમન થતું હોય ત્યારે તેને અક્ષત અર્પણ કરવામાં આવે છે. આ અક્ષત એ સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. એટલે નાની કન્યાઓને ભોજન કરાવી દક્ષિણા આપીને પછી જતા વખતે તેમને હાથમાં થોડા અક્ષત આપવા જોઈએ. તેનાથી આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના અખૂટ આશિષ રહે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !
આ પણ વાંચો : ઝડપથી લક્ષ્મીકૃપાને પ્રાપ્ત કરાવશે નવરાત્રીનો આ પ્રયોગ, ફટાફટ જાણી લો આ વિધિ