ગાયત્રી મંત્ર (Gayatri Mantra)એ તો સૌથી સિદ્ધ મંત્ર મનાય છે. કહે છે કે આ સિદ્ધ મંત્રના જાપથી જ મનુષ્ય અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરી શકે છે! બાળપણથી આપણે બધાં જ આ મંત્રને સાંભળતા આવ્યા છીએ. આ મંત્રનો જાપ કરતા આવ્યા છીએ. બાળકોને પણ અન્ય કોઈ મંત્ર આવડતો હોય કે ન આવડતો હોય પણ, ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય. પણ શું આટલાં વર્ષોમાં તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ગાયત્રી મંત્રના જાપ માટે સર્વ શ્રેષ્ઠ સમય કયો છે? આખરે, કયા સમયે મંત્રજાપ કરવાથી શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવશે માતા ગાયત્રી? આવો, આજે તે જ વિશે વિગતે વાત કરીએ.
ગાયત્રી મંત્ર “ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।”
વાસ્તવમાં ગાયત્રી માતા એ તો વેદમાતા મનાય છે અને તેમના મંત્રમાં સમસ્ત વેદોના સાર સમાન શક્તિ સમાયેલી છે ! શાસ્ત્ર અનુસાર જોઈએ તો ગાયત્રી મંત્ર એ વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. જે જાપ કરનાર સાધકને અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવે છે.
⦁ આ મંત્રમાં સમસ્ત પાપોનો નાશ કરવાની શક્તિ છે!
⦁ ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
⦁ આ મંત્રના જાપથી શરીર નિરોગી રહે છે.
⦁ તેનાથી મનુષ્યને યશ, પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે !
ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થતા આ અનેક પ્રકારના લાભને લીધે જ લોકો આસ્થા સાથે મંત્રનો જાપ કરતા હોય છે ! પણ, વાસ્તવમાં ગાયત્રી મંત્રના જાપ માટે ત્રણ સમય જ શ્રેષ્ઠ છે !
ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી સર્વોત્તમ સમય છે સૂર્યોદય પૂર્વેનો ! કહે છે કે પ્રાતઃકાળમાં સૂર્યોદય પૂર્વે ગાયત્રી મંત્રના જાપનો પ્રારંભ કરવો જોઈએ અને સૂર્યોદય થઈ ગયા બાદ સુધી આ મંત્રજાપ ચાલુ રાખવા જોઈએ.
ગાયત્રી મંત્રના જાપ માટે બીજો શ્રેષ્ઠ સમય છે મધ્યાહનનો ! એટલે કે, તમે બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. જે તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવશે.
સંધ્યા સમય
ગાયત્રી મંત્રના જાપ માટે ત્રીજો શ્રેષ્ઠ સમય છે સાંજનો! આ માટે સૂર્યાસ્ત થાય તે પૂર્વેથી મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ આ મંત્રજાપ ચાલુ રાખવા જોઈએ !
લૌકિક માન્યતા અનુસાર ગાયત્રી મંત્રના જાપ માટે આ ત્રણ સમય જ સર્વોત્તમ છે. આ સમય દરમિયાન તમે મુખેથી મોટા અવાજમાં ઉચ્ચારણ કરીને મંત્રનો જાપ કરી શકો છો પણ આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો તે મૌન રહીને જ કરવો જોઈએ! એટલે કે જોરથી અવાજ કર્યા સિવાય માનસિક રૂપે જ મંત્રજાપ કરવો જોઈએ.
આમ જોઈએ તો આ ખૂબ જ નાની બાબતો છે. પણ આ નાની બાબતો જ તમને દેવી ગાયત્રીની સર્વોત્તમ કૃપાને પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ બની રહેશે તો હવે જ્યારે ગાયત્રી મંત્રનો જાપ કરો ત્યારે જાપ માટેના શ્રેષ્ઠ સમયને ચોક્કસપણે યાદ રાખજો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ 14 માર્ચે સુર્યનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલી
આ પણ વાંચોઃ મીન રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ, જાણો કોને થશે લાભ અને કોણે રહેવું પડશે સાવધાન ?