દર મહિનાના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિ સંકષ્ટી ચતુર્થી (sankashti chaturthi) તરીકે ઓળખાય છે. આ તિથિ પર થનારું વ્રત શ્રીગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારું મનાય છે. એમાં પણ જો આ તિથિ મંગળવારના રોજ હોય તો તેને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. માન્યતા અનુસાર આ એક અંગારકીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની સંકષ્ટીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 19 એપ્રિલ, મંગળવારના રોજ પણ આ જ શુભ યોગ છે. પણ, શું તમને ખબર છે કે મંગળવારની સંકષ્ટીને અંગારકી સંકષ્ટી શા માટે કહે છે ? આવો જાણીએ, અંગારકી સંકષ્ટીના પ્રારંભ સાથે જોડાયેલી રસપ્રદ કથા.
અંગારકી સંકષ્ટી ચતુર્થીનું માહાત્મ્ય ગણેશપુરાણના ઉપાસના ખંડના 60માં અધ્યાયમાં વર્ણવવામાં આવ્યું છે. જે અનુસાર પૃથ્વીદેવીએ મહામુનિ ભારદ્વાજના અરુણપુત્રનું પાલન કર્યું. 7 વર્ષ પછી તેમણે તેને મહર્ષિ પાસે મોકલી દીધા. મહર્ષિએ અત્યંત પ્રસન્ન થઇને પુત્રને આલિંગન કર્યુ અને તેના ઉપનયન સંસ્કાર કરાવીને વેદ શાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. પછી તેમણે પોતાના પ્રિય પુત્રને ગણપતિ મંત્ર આપીને તેને ગણેશજીની પ્રસન્નતા માટે આરાધના કરવાની આજ્ઞા કરી.
મુનિ પુત્રએ પોતાના પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી ગંગાના તટ પર જઇને તેમણે પરમ પ્રભુ ગણેશજીનું ધ્યાન કર્યું. તેઓ તેમને આપવામાં આવેલ મંત્રના ભક્તિપૂર્વક જાપ કરવા લાગ્યા. લગભગ એક સહસ્ત્ર વર્ષ સુધી નિરાહાર રહીને તેમણે મંત્રજાપ કર્યો. આખરે, દિવ્ય વસ્ત્રધારી, અષ્ટભુજાધારી ભાલચંદ્ર શ્રીગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા. કહે છે કે તે વદ પક્ષની ચતુર્થીની તિથિ હતી. ગજાનને મુનિકુમારને વરદાન માંગવા કહ્યું.
પ્રસન્ન પૃથ્વીપુત્રએ અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું, “હે પ્રભુ, તમારા દુર્લભ દર્શન કરવાથી હું ઘણો કૃતાર્થ થયો છું. મારી માતા પૃથ્વી, મારા પિતા, મારું તપ, મારા નેત્ર, મારી વાણી, મારું જીવન અને જન્મ સફળ થયો છે. હે પ્રભુ હું સ્વર્ગમાં નિવાસ કરતા દેવતાઓ સાથે અમૃતપાન કરવાની ઇચ્છા ધરાવું છું. મારું નામ 3 લોકમાં કલ્યાણ કરનાર મંગળ તરીકે પ્રખ્યાત થાય.”
કહે છે કે સિદ્ધિપ્રદાતા ગણેશજીએ વરદાન પ્રદાન કરી દીધું કે, “હે મેદિનીનંદન ! તમે દેવતાઓ સાથે સુધાપાન કરશો. તમારું મંગળ નામ સર્વત્ર વિખ્યાત થશે. તમે ધરતીના પુત્ર છો અને તમારો રંગ લાલ છે. એટલે કે તમારું એક નામ અંગારક પણ પ્રસિદ્ધ થશે. આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે. પૃથ્વી પર જે પણ મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થીનું વ્રત કરવાથી મળતા ફળ જેટલું જ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસપણે તેમના કોઇપણ કાર્યમાં વિધ્ન નહીં આવે !આના કિર્તન માત્રથી મનુષ્યની દરેક કામના પૂર્ણ થાય છે.
પૃથ્વીપુત્રે ચતુર્થીના દિવસે વ્રત કરીને શ્રીગણેશજીની આરાધના કરી. તેનું તેમને અત્યંત આશ્ચર્યજનક ફળ પ્રાપ્ત થયું. તે પોતે સશરીર સ્વર્ગ જતા રહ્યાં. તેમણે સુર સમુદાયની સાથે અમૃતપાન કર્યું. જેને લીધે મંગળવારના રોજ આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી અંગારકી ચતુર્થીના નામથી પ્રસિદ્ધ થઈ. આ તિથિ પુત્ર-પૌત્રાદિ અને સમૃદ્ધિ પ્રદાન કરી સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી તિથિ છે. કહે છે કે આ દિવસે તો દૂર્વાથી અર્પણ કરવા માત્રથી પણ ગણેશજી પ્રસન્ન થઇ જાય છે અને સમસ્ત મનશાઓને પૂર્ણ કરી દે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા ? જાણો રસપ્રદ કથા
આ પણ વાંચો: અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !