શુદ્ધ બોલીના આશિષ પ્રદાન કરે છે માતા તોતળા ! જાણો અમદાવાદની તોતળાભવાનીનો મહિમા

|

Apr 17, 2022 | 9:40 AM

તોતળા માતાજી એ વાસ્તવમાં માતા બહુચરનું જ સ્વરૂપ છે. તે ભક્તોની શુદ્ધ બોલીની મનશાને પરિપૂર્ણ કરનારા મનાય છે. એટલે જ જે બાળકો તોતડું બોલતા હોય અથવા તેમને વાચા આવવામાં વાર થઈ રહી હોય તેમને અહીં પગે લગાવવાનો મહિમા છે.

નમું આવી શ્રીતોતળામાતને રે લોલ,

જેને સેવવાથી સુખ થાય જાતને રે લોલ ।

રહે છે દેવી રાજા મહેતાની પોળમાં રે લોલ,

રમે રમઝમ કળા કરે કલોલ મારે લોલ ।।

અમદાવાદ શહેરના કાલુપુરમાં રાજા મહેતાની પોળ આવેલી છે. આ પોળમાં જ આવેલી એક પોળ ‘તોતળાજી’ની પોળના નામે ખ્યાત છે. કારણ કે અહીં એક ગૃહમંદિરમાં છેલ્લાં છસ્સો વર્ષથી મા તોતળાજીનું અત્યંત દિવ્ય સ્વરૂપ વિદ્યમાન થયું છે. કે જેના દર્શન માત્ર ભક્તોના ભવબંધનોને કાપી દેનારા મનાય છે. ત્યારે આવો, આપણે પણ માતાના આ દિવ્ય સ્વરૂપનો મહિમા જાણીએ.

પોળમાં વિદ્યમાન માતાજીનું આ મંદિર એ તોતળાભુવનના નામે ઓળખાય છે. અહીં ગર્ભગૃહમાં માતાની અત્યંત ભાવવાહી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. કે જેમના દર્શન કરતા જ શ્રદ્ધાળુઓેને પરમશાંતિની અનુભૂતિ થવા લાગે છે. અહીં બાજોઠ સ્વરૂપે માતા ભવાની પણ બિરાજમાન થયા છે. આ બંન્નેના એકસાથે જ પૂજનનો મહિમા છે. અને એટલે જ આ મંદિર આજે ‘તોતળાભવાની’ના નામે પ્રસિદ્ધિ પામ્યું છે.

તોતળા માતાજી એ વાસ્તવમાં માતા બહુચરનું જ રૂપ મનાય છે. આનંદના ગરબામાં એવાં શબ્દ છે કે…

તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા ।

અર્ભક માંગે અન્ન, નિજ માતા મન લહે મા ।।

 

અર્થાત્, તોતડું બોલનારા લોકો ભલે ગમે તે શબ્દોમાં તેમની લાગણી અભિવ્યક્ત કરે. અંતરને જાણનારી માતા તો એ સમજી જ લે છે કે તેના બાળકને શેની કામના છે ! તોતડું બાળક તન્ન બોલે તો પણ મા સમજી લે કે તેને અન્ન જોઈએ છે ! અને મા તેની એ મનશા પરિપૂર્ણ પણ કરે છે.

માતા તોતળાભવાની એ વાસ્તવમાં ભક્તોની શુદ્ધ બોલીની મનશાને પરિપૂર્ણ કરનારા મનાય છે. જો બાળકો તોતડું બોલતા હોય અથવા તેમને વાચા આવવામાં વાર થઈ રહી હોય તો તે માટે અહીં માનતા માનવામાં આવે છે. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ માતા તોતળા ‘તોતડાપણું’ હરી લે છે. અને બાળકને શુદ્ધ વાણીના આશિષ પ્રદાન કરે છે. અને એટલે જ તો અહીં મા ‘તોતળાજી’ના નામે પૂજાય છે. એટલું જ નહીં મા તોતળાજી તો ભક્તોની અનેકવિધ કામનાઓને પરિપૂર્ણ કરનારા તેમજ સંકટોને હરનારા મનાય છે. એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે હંમેશા જ આતુર રહેતા હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.) 

આ પણ વાંચો :  એક પ્રેમપત્ર બન્યો હતો માધવપુરના પ્રાગટ્યનું નિમિત્ત ! જાણો વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવનું રહસ્ય

આ પણ વાંચો : સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

Next Video