ગજાનન શ્રીગણેશજીને (Shree Ganesha) તો દૂર્વા (Durva) અત્યંત પ્રિય છે અને તેને સંબંધીત અનેકવિધ કથાઓનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આવો, આજે એક આવી જ કથાને જાણીએ. જેમાં ગણેશજીએ મિથિલા નરેશ જનક રાજાના અભિમાનનું ખંડન કર્યું હતું. કૌંડિન્ય ઋષિ તેમના પત્ની આશ્રયાને આ કથા સંભળાવીને દૂર્વા માહાત્મ્યનું વર્ણન કરે છે.
જનક રાજાને અભિમાન હતું કે હું બ્રહ્મ સ્વરુપ છું કારણ કે મારુ ધન-ધાન્ય ક્યારેય ઘટતું નથી. મારા જેવું ત્રિભુવનમાં કોઈ શ્રેષ્ઠ નથી. ત્યારે ભગવાન ગણેશજી જનકના અભિમાનનું ખંડન કરવા એક દુર્બળ બ્રાહ્મણનું રૂપ લઈને રાજા જનક પાસે ગયા અને રાજા જનક પાસે પોતાના પેટ પૂરતું ભોજન માંગ્યું અને કહ્યું કે જો તમે મને પેટ પૂરતું ભોજન આપશો તો આપને સો યજ્ઞોનું પુણ્ય મળશે.
આ સાંભળી જનક રાજા આ વિપ્રને ભોજનશાળામાં લઈ ગયા અને આ બ્રાહ્મણને ભોજન આપવા કહ્યું. ગજાનને બ્રાહ્મણના વેશમાં ભોજન શરૂ કર્યું. જોતજોતામાં તેઓ ભોજનશાળાનું બધુ અન્ન જમી ગયા અને રાજા જનકનો સંપૂર્ણ અન્ન ભંડાર ખાલી કરી નાખ્યો તેમ છતાં પણ જનક રાજા આ બ્રાહ્મણની ભૂખ શાંત કરી શક્યા નહીં. એટલે જનક રાજા લજ્જિત થયા અને એમના ગર્વનું ખંડન થયું. ત્યારબાદ ગણેશજી માટે તેમના ભક્તોએ ગણેશજીને દૂર્વાદલ આપ્યું અને એમની ભૂખને શાંત કરી.
કૌંડિન્ય ઋષિએ તેમની પત્નિને કહ્યું કે આવું છે દૂર્વાનું માહાત્મ્ય અને જો તારે વધારે ખાતરી કરવી હોય તો આ દૂર્વાદલ લે અને ઈન્દ્રને એનાં ભારોભાર સુવર્ણ આપવાનું કહે. પતિની આજ્ઞા પ્રમાણે ઋષિ પત્ની આશ્રયા દૂર્વાદલ લઈ ઈન્દ્ર પાસે ગયા અને કહ્યું કે, “દેવરાજ મારા પતિએ આ દૂર્વાના ભાર જેટલું સુવર્ણ માંગ્યું છે.” આ દૂર્વા જોઈ ઈન્દ્ર હસ્યા અને કહ્યું કે તમે મારા દૂત સાથે કુબેર પાસે જાવ એ તમને એના ભારોભાર સુવર્ણ આપશે.
ઈન્દ્રની આજ્ઞા પ્રમાણે દૂત કૌંડિન્ય ઋષિના પત્નિ આશ્રયાને લઈને કુબેર પાસે ગયા અને કુબેરે ત્રાજવાના એક પલ્લામાં દૂર્વાદલ મૂક્યું અને બીજામાં તેના ભારોભાર સુવર્ણ મૂક્યું પરંતુ દૂર્વાદલનું પલ્લું જરાપણ નમ્યું નહીં. એટલે કુબેરે વધારે સુવર્ણ મૂક્યું તો પણ પલ્લું નમ્યું નહીં. છેવટે ભંડારમાં હતું એ સઘળું સુવર્ણ મૂકી દીધું તો પણ દૂર્વાદલનું પલ્લું નમ્યું નહીં. આ ચમત્કાર જોઈ દેવો લજ્જિત થયા અને સૌ આશ્ચર્ય સાથે કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યા અને બોલ્યા, “હે મહર્ષિ ! ભક્તિયુક્ત અંત:કરણથી ભગવાન ગજાનનને સમર્પિત એક દૂર્વાદલનું માહાત્મ્ય કેવડું મોટું છે એ અમે આજે પ્રત્યક્ષ જોયું,” એમ બોલી સૌએ ભગવાન ગજાનનની પૂજા કરી.
આ પણ વાંચો : શ્રીગણેશે શા માટે ચંદ્રદેવને આપ્યો શ્રાપ ? જાણો સ્વયં ચંદ્રદેવના ઉદ્ધારની અને સંકષ્ટી વ્રતના પ્રારંભની કથા
આ પણ વાંચો : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?