આપણા શાસ્ત્રોમાં અને પરંપરામાં હવન (HAWAN)નું ખુબ મહત્વ છે. આપણે કોઈ પણ શુભ કાર્યની શરુઆત આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના સાથે કરીએ છીએ કારણકે તેનાથી આપણું ધારેલું કાર્ય કે શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, અને તેમાં કોઈ અવરોધ કે વિઘ્ન ન આવે. કોઈ પણ શુભ કાર્યમાં કરવામાં આવતું ઈષ્ટદેવનું આહ્વાન કે પૂજા એ હવન વિના તો અપૂર્ણ માનવામાં આવે છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પૂજા દરમિયાન હવનનુમ મહ્તવ સમજાવામાં આવ્યું છે. કારણકે હવનમાં અગ્નિદેવની સાક્ષી હોય છે અને અગ્નિ દેવની સાક્ષી એ થતું કોઈ પણ કામ સરસ રીતે પાર પડે છે.
આપ પણ અનેક હવનના સાક્ષી બન્યા હશો, અથવા આપના ઘર કે વ્યવસાયના સ્થળે આપે પણ હવનનું આયોજન કર્યું હશે. તમને એ ચોક્કસ જાણ હશે કે હવનમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. સાથે જ હવનકુંડમાં અગ્નિ દેવને સામગ્રી અર્પણ કરવામાં આવે છે, અને તેની સાથે ‘સ્વાહા’ શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કેટલાક જાણકારો તો કહે છે ‘સ્વાહા’ શબ્દના જાપ કે તેના ઉચ્ચાર વગર તો યજ્ઞ કે હવન પણ સફળ નથી રહેતો. ત્યારે સવાલ તો એ છે કે ‘સ્વાહા’નું આટલું મહ્તવ કેમ ? આવો આજે જાણીએ ‘સ્વાહા’ શબ્દ સાથે જોડાયેલી કથા.
આપણે ત્યાં એક કથા છે કે, ‘સ્વાહા’ પ્રજાપતિ દક્ષની પુત્રી હતા. પ્રજાપતિ દક્ષે તેમની પુત્રી ‘સ્વાહા’ના અગ્નિદેવ સાથે વિવાહ કર્યા હતા. આ જ કારણે અગ્નિદેવને જે પણ અર્પણ કરવામાં આવતું તે સૌથી પહેલાં તેમના પત્ની ‘સ્વાહા’ પાસે પહોંચતુ. એટલે કે દેવી ‘સ્વાહા’ જે પણ વસ્તુ કે દ્રવ્ય અગ્નિદેવને અર્પણ કરે છે તેનો અગ્નિદેવ સ્વીકાર કરે છે.
એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી સ્વાહાને વરદાન આપ્યું હતું કે કોઈ પણ હવનમાં કોઈ પણ દેવતાને અર્પણ કરવામાં આવતું કોઈ પણ દ્રવ્ય દેવી સ્વાહાને યાદ કર્યા વગર કે તેમના ઉચ્ચાર વગર દેવતાઓ સુધી નહીં પહોંચે.
તેથી જ આજે પણ કોઈ પણ હવનમાં ‘સ્વાહા’નો ઉચ્ચાર થાય છે. અને સ્વાહાના ઉચ્ચાર વગર યજ્ઞ પણ સફળ નથી થતો. કારણકે કે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવાની આપની કામના ત્યાં સુધી પરિપૂર્ણ નથી થાતી જ્યાં સુધી તેમને અર્પણ કરવામાં આવતી તે વસ્તુ તે ગ્રાહ્ય નથી કરતાં. અને તે ગ્રાહ્ય ત્યાં સુધી નથી કરતાં જ્યાં સુધી ‘સ્વાહા’ ઉચ્ચારણ નથી થતું કે દેવી સ્વાહાને પહેલાં અર્પણ નથી થતું.
આ પણ વાંચો : સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો !