રથયાત્રા (RATHYATRA) એટલે તો એવો પર્વ કે જેની આખાય વર્ષ દરમિયાન ભક્તો આતુરતાથી રાહ જોતા હોય. રથયાત્રા એટલે તો લોકોત્સવ. રથયાત્રા એટલે તો લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ. સંપૂર્ણ વર્ષ દરમિયાન ભક્તો કહેતા હોય છે કે ક્યારે આવે અષાઢી બીજ અને ક્યારે જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે !
સંપૂર્ણ ભારતમાં પ્રથમ ક્રમાંકે ઓરિસ્સાનું પુરી ક્ષેત્ર અને ત્યારબાદ બીજા ક્રમે અમદાવાદની રથયાત્રા આકર્ષણ જમાવે છે. કોરના પૂર્વે તો અમદાવાદની રથયાત્રામાં ગુજરાતના દરેક છેડેથી, સંપૂર્ણ ભારતમાંથી અને વિદેશમાંથી પણ ભક્તો જોડાતા રહ્યા છે.
અષાઢી બીજનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ 144મી રથયાત્રાને લઈને આતુરતા અનેકગણી વધી ગઈ છે. ભક્તોને મન જેટલો મહિમા રથારુઢ જગન્નાથજીના દર્શનનો છે તેટલો જ મહિમા તો રથયાત્રામાં મળતા મગ પ્રસાદને ગ્રહણ કરવાનો પણ છે. કારણ કે, મગ પ્રસાદ વગર તો રથયાત્રા જ અધુરી લાગે !
આમ તો, અમદાવાદના જગદીશ મંદિરમાં માલપુઆ એટલે કે કાળી રોટલીનો પ્રસાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન મળે. પણ રથયાત્રાના દિવસે તો મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ મળે. પણ, શું તમે એ જાણો છો કે રથયાત્રામાં મગનો જ પ્રસાદ કેમ હોય છે ? કેમ કોઈ અન્ય મીઠાઈ કે ફરસાણ નહીં પણ મગનો પ્રસાદ જ આપવામાં આવે છે ? આવો આજે આપને જણાવીએ
રથયાત્રામાં મળતા મગ પ્રસાદનું મહત્વ.
રથયાત્રામાં કેટલાય કિલોમીટર સુધી રથને ખેંચવાનો હોય છે. જેમાં ભક્તો પણ જોડાતા હોય છે. હવે, રથને હાંકવામાં શક્તિની તો જરૂર પડે ને ? કહેવાય છે કે મગ તો વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર કરે છે. કોઈ વ્યક્તિ જો બીમાર હોય તો પણ તબીબ તેને મગ ખાવાની કે મગના પાણીને પીવાની સલાહ આપતા હોય છે. કારણ કે, તેનાથી વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે. સાથે જ તે વિટામિન, ખનીજ તત્વો અને કેટલાય પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. મગમાં વિટામિન A, B, D અને E હોય છે. જે વ્યક્તિને શક્તિ આપે છે. પ્રસાદમાં ફણગાવેલા મગ અપાતા હોય છે. આ ફણગાવેલા મગ ખાધાં પછી લાંબો સમય સુધી ભૂખ પણ નથી લાગતી ! વાસ્તવમાં તો ફણગાવેલા મગ એ એનર્જી બુસ્ટરનું કામ કરે છે.
મગના આ મહત્વને જોતા રથયાત્રામાં વ્યક્તિને મગનો પ્રસાદ અપાય છે કે જેથી ભક્તને થાક ન લાગે. આમ મગના ‘પ્રસાદ’ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. અને એટલે જ તો આપણે ત્યાં કહે છે ને કે મગ ચલાવે પગ.
આ પણ વાંચો : શું તમને ખબર છે પુરીજગન્નાથ મંદિરના આ 7 રહસ્ય ?